ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી : રાજ્યભરમાં પારો ગગડ્યો, 48 કલાક સુધી રાહતના સંકેત નહીં
રાજ્યમાં કોલ્ડ વેવની અસર
અમદાવાદ શહેરમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે અને તાપમાનનો પારો એક જ દિવસમાં 2.7 ડિગ્રી ગગડીને 11.7 ડિગ્રી પર પહોંચતા શહેરીજનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ સિવાય રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં અમરેલી 8.6 ડિગ્રી અને રાજકોટ 9.4 ડિગ્રી સાથે ઠંડીમાં ઠુંઠવાયા છે.
ગુજરાતના મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન
અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 10.8, ડીસામાં 10.1, ભુજમાં 11.2, દાહોદમાં 11.7, કંડલામાં 11.9, પોરબંદર અને ડાંગમાં 12.8, ભાવનગરમાં 13.8, વડોદરામાં 14.0, દ્વારકામાં 14.2, સુરતમાં 15.0 અને જામનગરમાં 15.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના પરિણામે બે દિવસ પછી લોકોને આ આકરી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે તેમ છે.
