Loading...

ક્યારે છે વસંત પંચમી? જાણો મુહૂર્ત, પૂજન વિધિ અને ખાસ મહાત્મ્ય

માતા સરસ્વતીને શારદા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમીને શ્રી પંચમી અને સરસ્વતી પૂજાના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે માતા સરસ્વતી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ પ્રગટ થયા હતા, તેથી આ દિવસને તેમનો જન્મદિવસ પણ માનવામાં આવે છે.

વસંત પંચમી 2026ની તારીખ અને તિથિ

દ્રિક પંચાગ પ્રમાણે વસંત પંચમીની 23 જાન્યુઆરીના રોજ મધ્ય રાત્રિએ 2:28 વાગ્યે શરૂ થશે અને 24 જાન્યુઆરીના રોજ 1:46 વાગ્યે તિથિનું સમાપન થશે. 

સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત

આ દિવસે સરસ્વતી પૂજાનો શુભ સમય સવારે 7:15 મિનિટથી લઈને બપોરે 12:50 વાગ્યા સુધી રહેશે. એવી માન્યતા છે કે, આ સમયે પૂજા કરવાથી સારું ફળ મળે છે. 

વસંત પંચમીની પૂજન વિધિ

વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. તમારા સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખો અને સ્નાન કરતી વખતે હર હર ગંગે, હર હર યમુના અને હર હર સરસ્વતીનો જાપ કરો. ત્યારબાદ તમારા ઘરના મંદિરની સાફ-સફાઈ કરો. પછી ચોકી પર પીળા રંગનું કપડું પાથરો અને તેના પર માતા સરસ્વતીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો. માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પીળા ફૂલ અર્પણ કરો. હળદર અથવા પીળા રંગનું તિલક લગાવો અને પીળી મીઠાઈનો ભોગ લગાવો. જો તમને માતા સરસ્વતીનો કોઈ મંત્ર ખબર આવડતો હોય, તો તેનો જાપ કરો, નહીંતર સરળતાથી તેમની આરતી કરો. અંતે માતાને પ્રણામ કરો અને પોતાની મનોકામના તેમને કહો. 

હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું મહત્ત્વ

વસંત પંચમીથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ તહેવાર પ્રેમ અને ઉલ્લાસથી જોડાયેલા મદનોત્સવ સાથે પણ સંકળાયેલો છે. કેટલીક પરંપરાઓમાં આ જ દિવસથી રતિકામ મહોત્સવની શરૂઆત થાય છે. વસંત પંચમીને અબૂઝ મુહૂર્ત પણ માનવામાં આવે છે, જેનો અર્થ એ થાય કે આ દિવસે મુહૂર્ત જોયા વિના પણ શુભ કામ કરવામાં આવે છે. આ દિવસે બાળકોનું શિક્ષણ શરૂ કરવું, નવું કામ કે વ્યવસાય શરૂ કરવો, મુંડન સંસ્કાર, અન્નપ્રાશન અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.