અમદાવાદના 3 સહિત રાજ્યમાં 5 લોકોને ત્યાં ITના દરોડા:અલગ અલગ 15 સ્થળો પર તપાસ
ઇન્કમટેક્ષ રિટર્નમાં ખોટી માહિતી અને વિગતો દર્શાવી હોવાના આક્ષેપસર આયકર વિભાગે દેશભરમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડયાં હતા. તેમાંય ગુજરાતમાં 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાના પગલે ખોટાં રિટર્ન ભરનારા કરદાતાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આ દરોડાની કાર્યવાહી હજુ ચાલુ હોવાથી કરચોરીનો આંકડો જાણી શકાયો નથી.
ગુજરાતના આ પાંચ લોકોને ત્યાં તપાસ કરવામાં આવી
ખોટી રીતે ટીડીએસ મેળવવા તથા ખોટી રીતે કર માફીના લાભ મેળવવામાં આવતી હોવાની હકીકતને ધ્યાનમાં લઇને આવકવેરા વિભાગ છેલ્લાં બે દિવસથી દેશમાં 150 જેટલાં સ્થળોએ શ્રેણીબધ્ધ દરોડા પાડયા હતા. જયારે ગુજરાતના જુદા જુદા શહેરો અમદાવાદ શહેર, સુરત, અંકલેશ્વર, વાપી, પાટણ, ભરૂચ, રાજકોટ, ગોંડલ તથા ધોરાજી અને મહિસાગર મળીને કુલે 15 સ્થળો પર સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગ દ્વારા અમદાવાદમાં કૌશલ ચંદ્રકાન્ત ઝાલા, ભાવિક ખેમચંદભાઇ શાહ, અને દર્શન દિનેશભાઈ પટેલના રહેઠાણ તથા ધંધાના સ્થળો પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે મોડાસા-લુણાવાડામાં એમ.એમ. પઠાણના રહેણાંક અને કોમર્શિયલ પ્રિમાઈસીસ તેમજ ધોરાજીમાં વિનોદ ભાણજીભાઈ ઘોડાસરાના રેસીડેન્સિયલ અને બિઝનેસના સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ખોટીરીતે કરમાફીનો લાભ લીધો હોવાનો આક્ષેપ
આવકવેરા વિભાગ દ્વારા ઈન્કમટેક્સ રીટર્ન ફાઈલિંગ કરીને ખોટી રીતે TDS કર માફીના લાભ મેળવવા બદલ અમદાવાદ, ધોરાજી, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરોમાં દરોડા પાડયા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ રીટર્ન પ્રોપરાઇટર્સ (TRP), ટેક્સ પ્રેક્ટીશનર્સ મારફતે ઈન્કમટેક્સ રિટર્ન (ITR)માં ખોટી માહિતી જાહેર કરીને ઈન્કમટેક્સ એક્ટ, 1961ની જોગવાઈનો દુરપયોગ કરીને કરકપાત માટે જંગી રકમનો કલેઈમ કરનારા અને અને કરમાફીનો ગેરલાભ લેનારાઓ વિશેની માહિતી અને વિગતો એકત્રિત કરીને આવકવેરા વિભાગે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે બોગસ TDS મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ પ્રકારે ખોટા ITE ફાઈલ કરનારા તમામને ITR અપડેટ કરવા અને રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.