'મને કેમેસ્ટ્રીના ટીચર ખૂબ ગમતા હતા':તેઓ એક્ઝામની તૈયારીમાં મને મદદ કરતા, હું સ્કૂલમાં ખૂબ તોફાની હતો; રાહુલે સ્કૂલ ટાઈમની વાતો વાગોળી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે તમિલનાડુના ગુડલૂરમાં થોમસ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં બાળકોને મળ્યા. રાહુલે બાળકો સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમને કેમેસ્ટ્રી ટીચર ખૂબ પસંદ હતા, કારણ કે તેઓ પરીક્ષાની તૈયારીઓમાં ખૂબ મદદ કરતા હતા.
તેઓ ખૂબ સારું ભણાવતા હતા અને પરીક્ષાની તૈયારીમાં મદદ કરતા હતા, તેથી તેમને તે શિક્ષક ખૂબ ગમતા હતા.
હું સ્કૂલમાં દરરોજ કંઈક ને કંઈક તોફાન કરતો હતો. જ્યારે હું બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો, ત્યારે મારા માતા-પિતાને એવું મનાવતો હતો કે હું ખુશ નથી, જેથી તેઓ મને મળવા આવે. હું ખરેખર ઉદાસ રહેતો નહોતો, પરંતુ સ્કૂલમાં ખૂબ ખુશ રહેતો હતો.
રાહુલે કહ્યું- AIના કારણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં મુશ્કેલી આવશે
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે IT ક્ષેત્રમાં ઘણું સારું કામ કર્યું છે. સોફ્ટવેર એન્જિનિયરિંગમાં અમારી સફળતા વિશે બધાએ સાંભળ્યું છે, પરંતુ AIને કારણે હવે આ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાવાનો છે, આવી સ્થિતિમાં, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે સર્વિસ સેક્ટરમાં પાછળ ન રહી જઈએ, જ્યાં આપણે સારું કામ કરી રહ્યા છીએ.
આવી સ્થિતિમાં, આપણે હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં શરૂઆત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આજની સ્થિતિ એવી છે કે ચીને મેન્યુફેક્ચરિંગ પર પોતાનો દબદબો જમાવી લીધો છે. આપણે જે કંઈ પણ વાપરીએ છીએ, આ માઇક્રોફોન, તે કેમેરા, આ બધી વસ્તુઓ ચીનમાં બનેલી છે, અને અમે ઇચ્છીએ છીએ કે આ ભારતમાં પણ બને. આ કરવા માટે આપણે માનસિકતા બદલવી પડશે.
શિક્ષણ મોંઘું ન હોવું જોઈએ
રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ માને છે કે શિક્ષણ બહુ મોંઘું ન હોવું જોઈએ. સાથે જ તેનું ખાનગીકરણ પણ ન થવું જોઈએ. તેમણે કહ્યું કે પ્રાઇવેટ સ્કૂલ અને કોલેજો હોઈ શકે છે, પરંતુ સારી અને ગુણવત્તાયુક્ત સરકારી શિક્ષણની પણ પોતાની ભૂમિકા છે અને આ માટે સરકારે શિક્ષણના બજેટમાં પૈસા રોકવા પડશે.
બીજી વાત એ છે કે રોજગાર આપનારું વાતાવરણ હોવું જોઈએ, તે પણ માત્ર સર્વિસ, ઇન્ડસ્ટ્રી અને IT સેક્ટરમાં જ નહીં પરંતુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ રોજગારની તકો મળવી જોઈએ, જેથી તેઓ દેશના વિકાસમાં યોગદાન આપી શકે અને યુવા છોકરા-છોકરીઓને રોજગાર મળી શકે, તેમણે કહ્યું કે તેઓ આ જ કરશે.
