ચાલતી પેસેન્જર ટ્રેન પર વિશાળકાય ક્રેન પડી:થાઈલેન્ડમાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ સહિત 22નાં મોત, 79 ઘાયલ, ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
થાઈલેન્ડમાં બુધવારે એક મોટો રેલ અકસ્માત થયો. બીબીસી અનુસાર અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. જ્યારે, 79 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ દુર્ઘટના બુધવારે સવારે લગભગ 9:05 વાગ્યે બેંગકોકથી 230 કિલોમીટર (143 માઇલ) ઉત્તર-પૂર્વમાં આવેલા નાખોન રત્ચાસિમા પ્રાંતમાં થઈ.
અધિકારીઓએ જણાવ્યું કે એક રેલ બ્રિજના નિર્માણમાં ઉપયોગમાં લેવાઈ રહેલી ક્રેન ઝડપી ગતિએ ચાલી રહેલી પેસેન્જર ટ્રેન પર પડી ગઈ અને ડ્રાઈવરને બ્રેક લગાવવાનો મોકો મળ્યો નહીં. ટક્કર બાદ ક્રેનનો કાટમાળ ટ્રેન પર પડ્યો, જેના કારણે ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પાટા પરથી ઉતરતા જ ડબ્બાઓમાં આગ લાગી ગઈ.
અધિકારીઓ અનુસાર કોચમાં મોટાભાગના મુસાફરો શાળાના વિદ્યાર્થીઓ હતા. ઘણા મુસાફરો ડબ્બાઓમાં ફસાયેલા હતા, જેમને કટિંગ અને સ્પ્રેડિંગ ઉપકરણોની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
બચાવ દળે અત્યાર સુધીમાં 12 મૃતદેહો શોધી કાઢ્યા
ન્યૂઝ વેબસાઇટ ‘નેશન થાઇલેન્ડ’ અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનના કાચ તૂટી ગયા અને ટ્રેનને નુકસાન થયું.
ઘટનાના થોડા સમય પછી બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી. બચાવ દળે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળી આવ્યા છે. પ્રશાસન અને રેલવે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે ક્રેન શા માટે પડી અને સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં.
સ્થાનિક લોકો અને પરિવારો આ દુઃખદ ઘટનાથી આઘાતમાં છે. મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
