પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ, હાઇવે પર ઝીરો વિઝિબિલિટી
પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ગોધરાથી હાલોલ સુધીના મુખ્ય હાઇવે પર ધુમ્મસનું પ્રભુત્વ જોવા મળ્યું હતું, જેના કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. આ પરિસ્થિતિને લીધે વાહનચાલકોને હાઇવે પર વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસની ચાદર પથરાઈ હતી, જેણે જનજીવનને અસર કરી હતી.
વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લામાં ગાઢ ધુમ્મસના દ્રશ્યો સર્જાયા હતા. આજે ઉત્તરાયણનો પર્વ હોવા છતાં, શૂન્ય વિઝિબિલિટીના કારણે પતંગરસિકોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી. જોકે ધીમે ધીમે સૂર્યપ્રકાશ આવતા હવે ધુમ્મસ ઓછું થઈ રહ્યું છે. આમ છતાં વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
