Loading...

ચીસો સાંભળીને ગામ દોડ્યું પણ આગ સામે સૌ લાચાર; હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4ના મોત

હિમાચલ પ્રદેશમાં આગની દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હજુ 12 જાન્યુઆરીએ સોલન જિલ્લાના અર્કી બજારમાં થયેલા ભીષણ અગ્નિકાંડની ભયાવહ યાદો તાજી જ હતી, ત્યાં હવે સિરમૌર જિલ્લામાંથી એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સિરમૌર જિલ્લાના નૌહરાધાર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં લાગેલી આગે એક આખા પરિવારને તબાહ કરી દીધો છે, જેમાં એક મહિલા અને ત્રણ બાળકો સહિત 4 લોકોના જીવતા બળી જવાથી કરૂણ મોત થયા છે.

રાત્રે અચાનક આગ ભડકી 

આ ભીષણ દુર્ઘટના રેણુકા વિધાનસભા ક્ષેત્રના ઘંડૂરી પંચાયતના તલંગના ગામમાં બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે બની હતી. મોહન લાલના લાકડાના મકાનમાં રાત્રે લગભગ અઢી વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. મકાન લાકડાનું હોવાથી અને દુર્ગમ વિસ્તાર હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘરમાં ઊંઘી રહેલા પરિવારના સભ્યોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રાત્રે અચાનક ધુમાડો અને આગની જ્વાળાઓ દેખાતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેઓ લાચાર બનીને ઉભા રહ્યા. સવારે પોલીસ અને પ્રશાસનને જાણ કરવામાં આવી. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે કાટમાળ હટાવવામાં આવ્યો, ત્યારે ચાર લોકોના જીવતા બળી જવાની પુષ્ટિ થઈ.

મળતી માહિતી મુજબ, શિમલા જિલ્લાના ચૌપાલ વિસ્તારના રહેવાસી 42 વર્ષીય લોકેન્દ્ર તેમના પરિવાર સાથે સાસરીમાં આવ્યા હતા અને દુર્ઘટના સમયે આ જ મકાનમાં સૂઈ રહ્યા હતા. આ અકસ્માતમાં લોકેન્દ્ર સહિત બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને સારવાર માટે સોલન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા શિયાળાથી બચવા માટે ઘરમાં સળગતી રાખેલી સગડી માનવામાં આવી રહ્યું છે. જોકે, સાચું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

સ્થાનિક ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પ્રશાસનને તાત્કાલિક તપાસ કરવા અને પીડિત પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે. તેમણે લોકોને શિયાળામાં સૂતા પહેલા સગડી કે આગને સંપૂર્ણપણે ઓલવી દેવા અને ગેસ સિલિન્ડર બંધ રાખવાની અપીલ પણ કરી છે

Image Gallery