Loading...

કિયારા-સિદ્ધાર્થના ઘરે લક્ષ્મીજીની પધરામણી!:એક્ટ્રેસની HN રિલાયન્સ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી થઈ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બન્યા છે. કિયારાએ મંગળવારે રાત્રે મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો. કિયારાને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની નૉર્મલ ડિલિવરી થઈ હતી.

કિયારા અડવાણી અને બાળક બંને સ્વસ્થ છે. NDTVના અહેવાલ મુજબ, કિયારાની ડિલિવરી ઓગસ્ટમાં થવાની હતી, પણ તે જુલાઈમાં થઈ છે. ગુડ ન્યૂઝ સાંભળ્યા પછી, ફેન્સ પુત્રીની પહેલી ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ બુધવારે ઑફિશિયલ જાહેરાત કરી છે. એક પોસ્ટ શેર કરતાં દંપતીએ લખ્યું- 'અમારું દિલ ખુશીથી ગદગદ થયું છે અને અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે. બેબી ગર્લના જન્મથી અમે ધન્ય થયા છીએ.'

સિદ્ધાર્થ અને કિયારાએ ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું. બંનેએ શૂટિંગ સેટ પર એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સિદ્ધાર્થ અને કિયારાએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા.

આ ડેસ્ટિનેશન વેડિંગ હતી, જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના એક વર્ષ પછી, ફેબ્રુઆરી 2024માં, આ કપલે ખુશખબર શેર કરી હતી. આ કપલે એક તસવીર શેર કરતાં લખ્યું કે, અમારા જીવનની શ્રેષ્ઠ ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.

એક દીકરી અને એક દીકરો ઈચ્છે છે કિયારા અડવાણી 

વર્ષ 2019માં, ફિલ્મ 'જુગ જુગ જિયો'ના પ્રમોશનલ ઇવેન્ટમાં, કિયારા અડવાણીએ માતા બનવા વિશે વાત કરી. તે સમયે લગ્ન પણ થયા ન હતા. વાતચીતમાં કિયારાએ કહ્યું કે- મારે એક પુત્રી અને એક પુત્ર જોઈએ છે. ઉપરાંત, તેણે એમ પણ કહ્યું હતું કે- હું પ્રેગ્નેન્ટ થવા માંગુ છું જેથી હું જે ઇચ્છું તે ખાઈ શકું અને તેને ભૂલી શકું. મને ફક્ત બે સ્વસ્થ બાળકો જોઈએ છે. એક છોકરો અને એક છોકરી.

પ્રેગ્નન્સીના​​​​​ કારણે કિયારાએ 'ડોન 3' છોડી 

ફરહાન અખ્તર દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ 'ડોન 3'માં કિયારા અડવાણી રણવીર સિંહ સાથે જોવા મળવાની હતી, જોકે, પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા પછી, કિયારાએ ફિલ્મ છોડી દીધી. તે હાલમાં મેટરનિટી બ્રેક પર છે.