રાજકોટ મહાનગરપાલિકાએ જવાબદારીમાંથી છટકવા બોર્ડ માર્યું!
રાજકોટનું રેસકોર્સ મેદાન કે જ્યાં 50 જેટલી ચકરડી અને રાઈડ્સ આવેલી છે. અહીં દરરોજ હજારો વાલીઓ પોતાના સંતાનોને ચકરડી, રાઈડ્સમાં બેસાડવા માટે આવે છે. રવિવારે તો અહીં બાળકો સાથે અનેક પરિવારો ઉમટી પડે છે, ત્યારે આ ગ્રાઉન્ડની બહાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, આ ગ્રાઉન્ડમાં કોઇપણ રાઈડ્સ/ચકરડીની મંજૂરી RMC તરફથી આપી નથી. રાઈડ્સમાં બેસતા ગ્રાહકોની સેફ્ટી/સિક્યોરિટીની જવાબદારી પોતાની રહેશે.
એક પણ ચકરડી કે રાઈડને મંજૂરી આપવામાં આવી નથી
રાજકોટ શહેરના રેસકોર્સ રિંગરોડ પર આવેલા ફન વર્લ્ડની બાજુમાં રેસકોર્સ મેદાનમાં હાલ લાઈટિંગ ચકરડી, ચાઈલ્ડ ટ્રેન, જમ્પિંગ સહિતની અલગ અલગ પ્રકારની 50 જેટલી રાઈડ્સ રાખવામાં આવી છે. જોકે, ત્યાં હાજર એકપણ ચકરડી કે રાઈડ્સને મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા અહીં રાઈડ્સમાં બેસવા માટે આવતા બાળકોની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવામાં આવ્યા હોય તે પ્રકારે ગ્રાઉન્ડ બહાર બોર્ડ મારવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ રાઈડ્સ અને ચકરડી રાખવા માટે મંજૂરી આપવામાં આવતી હતી અને એક રાઈડ્સ અથવા ચકરડી દીઠ રૂપિયા 1500 ભાડું પણ વસૂલવામાં આવતું હતું. જોકે, TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ રાઈડ્સ સેફ્ટી કમિટી બનાવવામાં આવી. જે અંતર્ગત ગુજરાત રાજ્ય રાઈડ્સ સેફ્ટી કમિટીની મંજૂરી વિના કોઈપણને રાઈડ્સ અને ચકરડી રાખવા માટે મંજૂરી આપવામાં આવતી નથી.
એકપણ ચકરડી કે રાઈડ રાખવા મંજૂરી લેવામાં આવી નથી
આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ શાખાના અધિકારી બી. જે. બારીયાએ જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં અગાઉ રાઈડ રાખવા માટેની મંજૂરી આપવામાં આવતી હતી, ત્યારે 50 જેટલી રાઈડ રાખવાની મંજૂરી અપાતી હતી. તે સમયે એક રાઈડ કે ચકરડી રાખવા માટે મહિને રૂ. 1500 જેટલું ભાડું વસૂલવામાં આવતું હતું. જોકે, TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ રાઈડ્સ સેફટી કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કમિટી બની છે. જેમાં રોડ એન્ડ બિલ્ડીંગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની સાથે કોર્પોરેશનના અધિકારીઓ પણ સભ્ય તરીકે છે. જે કમિટીના નિર્ણય પ્રમાણે રેસકોર્સ મેદાનમાં એકપણ ચકરડી કે રાઈડ્સ રાખવા માટે મંજૂરી લેવામાં આવી નથી. જેથી આપણે ત્યારથી તેનું ભાડું પણ વસૂલ કરતા નથી.
વાલીઓને જાગૃત કરવા ચેતવણીનું બોર્ડ લગાવાયું
જો ભાડુ વસૂલ કરતા ન હોય તો ચેતવણીનું બોર્ડ કઈ રીતે લગાવી શકાય તેવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાન પર ચકરડી અને રાઈડ્સ રાખતા આ લોકોને દૂર કરવામાં આવે તો ફરી ત્યાં આવી જાય છે. જોકે, અહીં પોતાના સંતાનોને લઈને આવતા વાલીઓ જાગૃત થાય તે માટે ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે: વાલી
આ બાબતે અહીં પોતાના સંતાનને લઈને આવેલા વાલી અલ્પેશ વેકરીયાએ જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં જ્યાં ચકરડી અને રાઈડ છે, ત્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેતવણીનું બોર્ડ મારવામાં આવેલું છે તે યોગ્ય નથી. કારણકે આ ગ્રાઉન્ડ તો મહાનગરપાલિકાનું જ છે. જેથી જવાબદારી પણ રાજકોટ મહાનગરપાલિકાની જ આવે. વાલીઓની જવાબદારી ન આવે. અહીં અમારા સંતાનો સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની જ આવે. આ બોર્ડ જે લગાવવામાં આવેલું છે તે ખરેખર મને ગમ્યું નથી. મહાનગરપાલિકા પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે.