ખ્યાતિ કાંડઃ મુખ્ય ફરિયાદ વધુ ત્રણ આરોપીને શરતી જામીન:NSUIના કાર્યકર્તાઓએ ખ્યાતિ હોસ્પિટલ પર હંગામો મચાવ્યો
ખ્યાતિ કાંડની મુખ્ય ફરિયાદમાં વધુ ત્રણ આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. રાજશ્રી કોઠારી, રાહુલ જૈન અને સંજય પટોલિયા બાદ હવે ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. આરોપીઓનો જામીન પર છુટકારો થતા આજે NSUIના કાર્યકર્તાઓએ હોસ્પિટલ પર પહોંચી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખ્યાતિ હોસ્પિટલના ગેટ પર મોતના સોદાગર સહિતના સૂત્રો લખેલા બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
મુખ્ય ફરિયાદમાં ત્રણ આરોપીઓને જામીન મળ્યા
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ત્રણ આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટે સરકારે નિમેલ તપાસ કમિટીની ફરિયાદમાંથી જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમને હાઇકોર્ટે 10 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે. આ આરોપીઓએ 06 મહિના સુધી દર મહિને એક વખત પોલીસ મથકે હાજરી પુરાવવી પડશે. ગુજરાત હાઇકોર્ટ અગાઉ રાજશ્રી કોઠારી, રાહુલ જૈન અને સંજય પટોળિયાને શરતી જામીન આપી ચૂકી છે. ચિરાગ રાજપૂતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બે મૃતક દર્દીઓના સગા દ્વારા કરાયેલ ફરિયાદ સામે જામીન મેળવવા અરજી દાખલ કરી છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને સર્જન ડોક્ટર પ્રશાંત વજીરાણી હજી જેલમાં છે.
આરોપીઓને જામીન મળતા NSUIનો વિરોધ
ખ્યાતિકાંડના આરોપીઓને જામીન પર મળતા NSUIના કાર્યકર્તાઓ ખ્યાતિ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. અહીં હોસ્પિટલ બહાર બેનરો લગાવી સૂત્રોચ્ચાર કર્યાહ હતા.
હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની જામીન અરજીમાં સિનિયર એડવોકેટ જે.એમ.પંચાલ અને એડવોકેટ એ.એચ. મૂરજાનીએ રજૂઆત કરી હતી કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જસીટ ફાઈલ થઈ ચૂકી છે. અરજદારને નવેમ્બર, 2024 માં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં છે. તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટરના પદ ઉપર છે અને હોસ્પિટલમાં 6.8% જેટલો શેર ધરાવે છે. તેમની પાસે મેડિકલની કોઈ ડીગ્રી નથી. ખ્યાતી હોસ્પિટલમાં સર્જરી કરાવવાની કોઈ પેશન્ટને સલાહ તેમને આપી નથી. હોસ્પિટલની માર્કેટિંગ પોલિસી મુજબ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું. આવા કોઈ કેમ્પ યોજવા ગુનો નથી. અરજદારનું કામ હોસ્પિટલનું એડમિનિસ્ટ્રેશન જોવાનું છે. અરજદાર કોઈ કેમ્પમાં હાજર રહ્યા નથી. કડીના બોરીસણા ખાતેથી કોઈ પેશન્ટને તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં લાવ્યા નથી. વળી PMJAY યોજના અંતર્ગત જે દર્દીની સર્જરી થતી એ સરકારની મંજૂરી આવ્યા બાદ જ થતી હતી.
સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે ચિરાગ રાજપુત ડાયરેક્ટર હોવાથી તેઓ ખ્યાતિ હોસ્પિટલના રોજબરોજના કામકાજ સાથે સંકળાયેલા હતા. તેઓ માર્કેટિંગ ટીમ ઉપર ખ્યાતિ હોસ્પિટલમાં પેશન્ટને લાવવા માટે દબાણ કરતા હતા. તેઓ ડોક્ટરો ઉપર વધુમાં વધુ એનજીઓગ્રાફી અને એનજીઓપ્લાસ્ટિ કરવા માટે દબાણ કરતા હતા. PMJAY યોજના ગરીબ વર્ગના લોકોને સારવાર આપવા માટેનું સરકારનું ઉત્તમ સાધન છે, જેનો પૈસા કમાવવા દુરુપયોગ કરવામાં આવ્યો છે. જો કોઈ પેશન્ટ સર્જરી કરાવવા ના પાડે તો ચિરાગ રાજપુત તેને કન્વીન્સ કરતા હતા.
પંકીલ પટેલની જામીન અરજીમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે અને નવેમ્બર, 2024 થી આરોપી જેલમાં છે. તે ખ્યાતિ હોસ્પિટલનો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે તે મેડિકલ કેમ્પમાં હાજર રહેતો હતો. તે અમદાવાદ અને આસપાસના ડોક્ટરોને મળીને ખ્યાતિ હોસ્પિટલમાં પેશન્ટ રિફર કરવા માટે કહેતો હતો. તેનો ગુનામાં સક્રિય રોલ છે. પેશન્ટને હોસ્પિટલમાં લાવવામાં તેનો રોલ છે.
પ્રતીક ભટ્ટની જામીન અરજીમાં તેના વકીલે રજૂઆત કરી હતી કે તને નવેમ્બર, 2024 માં અરેસ્ટ કરવામાં આવેલ છે. ત ત્યારથી તે જેલમાં છે. કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. જેથી આરોપીને જામીન આપવા જોઈએ. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે તે ખ્યાતિ હોસ્પિટલનો માર્કેટિંગ મેનેજર છે. મેડિકલ કેમ્પનું આયોજન તેના દ્વારા કરવામાં આવતું હતું. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી ડોક્ટરોને ખ્યાતી હોસ્પિટલમાં પેશન્ટ રિફર કરવા માટે તે કહેતો હતો.
અગાઉ જ્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ શ્રી કોઠારી, રાહુલ જૈન અને સંજય પટોલિયાને જામીન આપ્યા ત્યારે રાજશ્રી કોઠારીના કેસમાં અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. તેમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. અરજદાર પોતે 59 વર્ષના છે. તેઓ ડિસેમ્બર મહિનાથી જેલમાં છે. તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની પોસ્ટ ઉપર હતા. તેઓ હોસ્પિટલના રોજે રોજના કામ સાથે સંકળાયેલા નહોતા. તેઓ ક્યારેક જ હોસ્પિટલની મુલાકાત લેતા હતા. તેઓ હોસ્પિટલની મેડિકલ કે ક્લિનિકલ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ન હતા. તેઓ કોઇ પગાર પણ લેતા નહોતા.બોરીસણા કેમ્પમાંથી દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં રાજ શ્રી કોઠારીનો કોઈ રોલ ન હતો.
સામે સરકારી અને પીડિત પક્ષના વકીલોએ દલીલ કરી હતી તે માનવ જીવનના ભોગે પૈસા કમાવા માટે કાવતરું કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી મેડિકલ ફીલ્ડ ઉપર લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે અરજદારની જવાબદારીઓ બને છે. આ ઘટનામાં બે દર્દીઓના મોત થયા છે. જે લોકોને ઓપરેશનની જરૂર ન હતી તેવા લોકોનું પણ ઓપરેશન કરાવીને PMJAY યોજનામાંથી પૈસા કમાવવા માટે કાવતરું કરાયું હતું. હાઇકોર્ટે નોંધ્યું હતું કે રાજ શ્રી કોઠારી નોન એક્ઝિક્યુરિટી ડાયરેક્ટરના પોસ્ટ ઉપર હતા. તેઓ હોસ્પિટલના વહીવટી કામ સાથે સંકળાયેલા નહોતા. તેઓ 59 વર્ષના છે. આથી 10 હજારનાબોન્ડ ઉપર તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા.
રાહુલ જૈનની અરજીમાં તેના વકીલે રજૂઆત કરી હતી કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. કેસમાં 100 જેટલા સાહેદો છે. ત્યારે ટ્રાયલ ચાલવામાં વિલંબ થઈ શકે તેમ છે. તેઓ એકાઉન્ટ અને એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલા હતા. હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હતા. પરંતુ મેડિકલ કેમ્પ યોજવામાં તેમનો કોઈ ભાગ નહોતો. તેઓ પોતે જાતે ચાર્ટર્ડ એકાઉન્ટટ અને કંપની સેક્રેટરીનું ભણેલા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે તેમને કોઈ લેવાદેવા નથી. હોસ્પિટલનું ઓડિટ રિપોર્ટ પણ બહારના ફર્મ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેઓ ફક્ત ઓફિસર તરીકેની સેલરી લેતા હતા. માર્કેટિંગની કોઈ જવાબદારી તેમની નહોતી, તેઓ હોસ્પિટલમાં ડાયરેક્ટર કે ભાગીદાર નહોતા.
રાહુલ જૈનની જામીન અરજી સામે સરકારી વકીલ તેમજ પીડિતોના વકીલે દલીલ કરી હતી કે આ મેડિકલ નેગલીજન્સીથી વધારે આગળનો કેસ છે. આનાથી મેડિકલ ફિલ્ડ પર લોકો વિશ્વાસ લગભગ ડગી ગયો છે. આરોપી બોર્ડ મિટિંગમાં ભાગ લેતો હતો. તેનો આ કાવતરામાં સક્રિય રોલ છે. પેશન્ટ લાવવા માટે માર્કેટિંગ ટીમ ઉપર તે દબાણ નાખતો હતો. PMJAY યોજનામાંથી પૈસા કમાવવા કડીના એક ગામમાં કેમ્પમાંથી 19 લોકોને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ દર્દીઓ પૈકી પર 07 દર્દીની એનજીઓપ્લાસ્ટિ કરતા 05 દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. જોકે ગુજરાત હાઇકોર્ટે 10 હજારના બોન્ડ ઉપર આરોપીને શરતી જામીન આપ્યા હતા.
ડોક્ટર સંજય પટોલિયા વતી વકીલે રજૂઆત કરી હતી કે અરજદાર ઉપર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી હોસ્પિટલને 16.64 કરોડ રૂપિયા ખોટી રીતે કમાવી આપવાનો આક્ષેપ છે. પરંતુ તેને કાર્ડિયોલોજી વિભાગ સાથે કોઈ લેવાદેવા નથી. તેને હોસ્પિટલમાં કોઈ સર્જરી કરી નથી. તે પોતે એક બેરીયાટ્રીક સર્જન છે. તે 25 વર્ષથી પોતાના ફિલ્ડ સાથે સંકળાયેલ છે. તેને પેશન્ટ સાથે કોઈ વાત પણ કરી નથી. સામે સરકારી વકીલ અને પીડિતોના વકીલે દલિલો કરી હતી કે પૈસા કમાવા માટે મેડિકલ ફીલ્ડ ઉપર આરોપી ડાયરેક્ટર હોવાથી તે બોર્ડ મિટિંગમાં ભાગ લેતો હતો. તે ખ્યાતી હોસ્પિટલને મેડિકલ ઇક્વિપમેન્ટ પુરા પાડતો હતો. જો કે કોર્ટે આરોપીને 10 હજાર બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા હતા.