Loading...

હિંમતનગરમાં 60 દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની બેઠક:ભાવ વધારો અને પશુપાલકોની મુક્તિની માગ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ ચાલુ છે. હિંમતનગરની સહકારી જીન ખાતે ગઈકાલે રાત્રે તાલુકા ઝોનની 60 દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને પશુપાલકોની બેઠક યોજાઈ. બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાબરડેરી દ્વારા સાડા ત્રણ લાખ પશુપાલકોને ઓછા નાણાં ચૂકવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ શરૂ થયો હતો. આ વિરોધ ઘર્ષણમાં પરિણમ્યો હતો. ત્યારબાદ પશુપાલકોએ સાબરડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દીધું છે. બેઠકમાં ડિરેક્ટર વિપુલ પટેલે આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી. તેમણે સાધારણ સભામાં બીજા તબક્કામાં યોગ્ય ભાવ ફેર ચૂકવવાની બાંહેધરી આપી. જો કે, પશુપાલકો દૂધ બંધ રાખવા અડગ રહ્યા.

વજાપુર દૂધ મંડળીના ચેરમેન પ્રકાશસિંહ સોલંકી અને દલપુર ગામના મંડળી સભ્ય જશુભાઈ પટેલના જણાવ્યા મુજબ, બેઠકમાં 20 ટકા ભાવ વધારો અને પકડાયેલા પશુપાલકોની મુક્તિના મુદ્દે ચર્ચા થઈ. પરંતુ ભાવ વધારાની ચોક્કસ તારીખ અને પશુપાલકોની મુક્તિ અંગે કોઈ સ્પષ્ટ બાંહેધરી ન મળતાં પશુપાલકોએ દૂધ બંધ રાખવાનો નિર્ણય જાળવી રાખ્યો છે.

60 મંડળીઓએ ઈડર તાલુકાના ઝીઝ્વા ગામના યુવક અશોકભાઈના પરિવારને દરેક મંડળી તરફથી પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે.