Loading...

દિલ્હી-ગોવા ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ:મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું બુધવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે વિમાન લેન્ડિંગ પહેલા લગભગ 17 મિનિટ સુધી હવામાં ફરતું રહ્યું. આ બાબતે હજુ સુધી કોઈ વધુ માહિતી બહાર આવી નથી.

ફ્લાઇટ ટ્રેકર્સના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ દિલ્હીથી ગોવા માટે રાત્રે લગભગ 8 વાગ્યે ઉડાન ભરી હતી, જે તેના નિર્ધારિત સમય કરતાં અડધો કલાક મોડી હતી. ગોવા પહોંચતા પહેલા, ફ્લાઇટને રાત્રે લગભગ 10 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા હતા

આ પહેલા 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ AI-171 ફ્લાઇટ ટેકઓફ થયાના 32 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આમાં 270 લોકોના મોત થયા હતા.

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈના રોજ અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે એર ઇન્ડિયાનું વિમાન બંને એન્જિન ફેલ થવાને કારણે ક્રેશ થયું હતું.