દાંતામાં 12 વર્ષ બાદ 29 આદિવાસી પરિવારોની ઘરવાપસી:8.5 હેક્ટર જમીન અપાઈ
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા 'ચડોતરું' નામના કુરિવાજને કારણે વિસ્થાપિત થયેલા 29 કોદાર્વી પરિવારના આશરે 300 સભ્યોનું આજે વતનમાં ઐતિહાસિક પુનર્વસન કરવામાં આવશે. આજે 17 જુલાઈએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ પરિવારોને માનભેર પોતાના ગામમાં આવકારવામાં આવશે, જે સામાજિક સૌહાર્દ અને પુનરુત્થાનનું પ્રતીક બનશે.
'ચડોતરું' કુરિવાજ અને વિસ્થાપનની પીડા
આદિવાસી સમાજમાં પ્રચલિત 'ચડોતરું' એ વેર લેવાની એક પરંપરા છે. આ કુરિવાજને કારણે જ મોટા પીપોદરા ગામના કોદાર્વી સમુદાયના 29 પરિવારોના 300 જેટલા સભ્યોએ 12 વર્ષ પહેલા પોતાનું વતન છોડી પાલનપુર અને સુરત જેવા શહેરોમાં આશ્રય લેવો પડ્યો હતો. પોતાના ઘર, જમીન અને મૂળિયાંથી વિખૂટા પડીને આ પરિવારોએ લાંબો સમય વિસ્થાપનની પીડા ભોગવી હતી.
શું બની હતી ઘટના?
લગભગ 12 વર્ષ પહેલા મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમાજના એક ડાબી યુવકની હત્યા થઈ હતી. આ હત્યાનો આરોપ આ 29 પરિવારોના સભ્યો પર મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે કેસ પણ નોંધાયો હતો અને એક યુવકને પાંચ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું, જોકે બાદમાં તે નિર્દોષ સાબિત થયો હતો. આ હત્યાના કારણે આદિવાસી સમાજના રીતિ-રિવાજ મુજબ "ચડોતરું" કરવામાં આવ્યું હતું. આ સામાજિક રિવાજના ભાગરૂપે થયેલા દબાણને કારણે આ 29 પરિવારોએ ગામ છોડી દેવું પડ્યું હતું.
સરકારની પહેલ અને પોલીસની સક્રિય ભૂમિકા
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ, બનાસકાંઠા પોલીસે આ વિસ્થાપિત સમુદાયની વિગતો મેળવી તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો અને બંને સમુદાયના અગ્રણીઓ સાથે બેઠકો યોજીને સમાધાન અને સુલેહ-શાંતિ માટે પ્રયાસો કરવામાં આવ્યા. આ પહેલથી ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થઈ શકે તે માટેનો માર્ગ મોકળો બન્યો.
8.5 હેક્ટર જમીન અપાઈ, બે મકાનો તૈયાર કરાયા
આ પરિવારોની ગામમાં 8.5 હેક્ટર જેટલી જમીન આવેલી છે. બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલન કરીને આ જમીનની માપણી કરાવી અને ઝાડી-ઝાંખરા દૂર કરી તેને ખેતીલાયક બનાવી આપી. આ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં બે મકાનો તૈયાર કરાવી આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સહયોગથી બાકીના 27 પરિવારો માટે પણ ટૂંક સમયમાં મકાનો અને અન્ય જીવનજરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કામગીરી ચાલી રહી છે.
હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઐતિહાસિક પુનર્વસન સમારોહ
આદિવાસી પરિવારોના આ ઐતિહાસિક પુનર્વસન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પરિવારોને માનભેર ગામમાં આવકારશે. તેઓ આ પરિવારોની જમીન પર પૂજાવિધિ કરી બિયારણ વાવણી કરીને તેમને ફરીથી ગામના એક અભિન્ન અંગ તરીકે જોડશે. આ ઘટના માત્ર વિસ્થાપિતોનું પુનર્વસન નથી, પરંતુ સામાજિક સામંજસ્ય અને સકારાત્મક પરિવર્તનનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.