Loading...

ગાઝામાં ફૂડ સેન્ટર પર ભાગદોડ, 43નાં મોત:ટોળાએ 15 લોકોને કચડ્યા

બુધવારે ગાઝાના ખાન યુનિસમાં એક ફૂડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં 43 લોકોનાં મોત થયાં હતાં, જેમાંથી 21 લોકો ખોરાક મેળવવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા, જ્યારે 15 લોકો નાસભાગમાં કચડાઈને મૃત્યુ પામ્યા હતા.

ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઘટના ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF) સેન્ટરમાં બની હતી. મંત્રાલયે ઇઝરાયલી સૈન્ય અને અમેરિકા પર "ઇરાદાપૂર્વક" ભૂખ્યા લોકોની હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો.

GHFએ પણ સ્વીકાર્યું છે કે અત્યારસુધીમાં 20 લોકો માર્યા ગયા છે, પરંતુ તેણે હમાસ સાથે સંકળાયેલા લોકોને હિંસા ભડકાવવા માટે દોષી ઠેરવ્યા છે.

યુએનએ GHF કેન્દ્રોને મૃત્યુના જાળ તરીકે વર્ણવ્યા છે. મે મહિનાના અંતથી આ કેન્દ્રોમાં અથવા એની આસપાસ 870થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.

ઇઝરાયલ પર પેલેસ્ટિનિયનોને ડ્રગ્સ આપવાનો પણ આરોપ

ગયા મહિને ગાઝાના સરકારી મીડિયા ઓફિસ (GMO)એ ઇઝરાયલી સેના પર પેલેસ્ટિનિયનોને ડ્રગ્સ પૂરાં પાડવાનો આરોપ લગાવ્યો હતો. GMOએ જણાવ્યું હતું કે ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF) દ્વારા પેલેસ્ટિનિયનોને આપવામાં આવેલી લોટની બોરીઓમાં ઓક્સિકોડોન નામની નાર્કોટિક ગોળીઓ મળી આવી હતી.

GHF ઇઝરાયલી સેના દ્વારા ચલાવવામાં આવે છે અને તેને અમેરિકાનો ટેકો મળે છે. GMOએ કહ્યું હતું કે આ લોકોને ડ્રગ્સના વ્યસની બનાવવાનું કાવતરું છે. ઇઝરાયલ ડ્રગ્સનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

ગાઝામાં અત્યારસુધીમાં 58 હજારથી વધુ લોકો માર્યા ગયા

ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2023માં યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલી હુમલાઓમાં 58,573 ગાઝાવાસી માર્યા ગયા છે અને 1,39,607 અન્ય ઘાયલ થયા છે.

છેલ્લા 24 કલાકમાં 94 લોકોનાં મોત થયાં છે અને 252 લોકો ઘાયલ થયા છે. 18 માર્ચથી અત્યારસુધીમાં ઓછામાં ઓછા 7,750 લોકોનાં મોત થયા છે અને 27,566 લોકો ઘાયલ થયા છે.

ગાઝામાં યુદ્ધ વચ્ચે 5 લાખ લોકો ભૂખમરાના ભયનો સામનો કરી રહ્યા છે. 12 મેના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ ગાઝાની પરિસ્થિતિ પર એક અહેવાલ રજૂ કર્યો. આ મુજબ, જો ઇઝરાયલ પ્રતિબંધો દૂર નહીં કરે, તો ગાઝામાં દર 5 માંથી 1 વ્યક્તિ ભૂખમરોનો શિકાર બની શકે છે.

ગાઝામાં 70% ઇમારતો નાશ પામી

ગાઝાના મીડિયા ઓફિસે ઇઝરાયલ પર ગાઝાપટ્ટીમાંથી પેલેસ્ટિનિયન વસતિને બહાર કાઢવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. ઓફિસે કહ્યું હતું કે ઇઝરાયલી સેના બળજબરીથી બહાર કાઢી, બોમ્બમારા કરી, સહાય બંધ કરી અને ગાઝાનો નાશ કરી રહી છે. આ નરસંહાર અને વંશીય સફાઇ છે.

ઇઝરાયલી કાર્યવાહીમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 56,331 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. GMOએ દાવો કર્યો હતો કે ગાઝાની 70%થી વધુ ઇમારતો નાશ પામી છે અને 1.9 મિલિયન લોકો (વસતિના 85%) તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે.