Loading...

સુરતમાં આપઘાતના હચમચાવતા CCTV: યુવકે ટ્રક નીચે પડતું મૂક્યુ

સુરતના પુણાગામમાં ખેતલાઆપા ટી-સ્ટોલની પાસે યુવકે બહેનના સસરાને માવો લેવા મોકલી આઈસર ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડતા ફરજ પરતના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે. જોકે આ ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા છે.

મૃતક પરિવાર સાથે રહી કાપડના કારખાનામાં કામ કરતો હતો 

મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વડલી ગામના વતની અને હાલ પુણાગામ વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીમાં 31 વર્ષીય નિલેશ ભાવેશભાઈ વાઘમશી પરિવાર સાથે રહેતો હતો. નિલેશના પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે. નિલેશ વર્ષોથી તેના ભાઈની સાથે કાપડના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

બહેનના સસરાને માવો લેવા મોકલી મોટા વાહનની રાહમાં હતો નિલેશ 

ગત સોમવારે (14 જુલાઈ) નિલેશ તેની બહેન અને તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો. જ્યાંથી પરત બાઈક પર બહેનના સસરા સાથે પરત ઘરે આવતો હતો. દરમિયાન પુણા કંગારુ સર્કલ પાસે ખેતલાઆપા ટી-સ્ટોલની પાસે નિલેશે બાઈક ઊભી રાખી હતી અને બહેનના સસરાને માવો લેવા મોકલ્યા હતા. જેઓ માવો લેવા જતા નિલેશ રોડ પર મોટું વાહન આવવાની રાહમાં હતો, જેમાં આઈસર ટ્રક પસાર થતાની સાથે જ તેણે પડતું મૂક્યું હતું.

પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી 

ટ્રકનું ટાયર નિલેશ પરથી ફરી વળતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક નિલેશે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ છે. પુણા પોલીસે મૃતક નિલેશનો મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં દેખાયા મુજબનો ઘટનાક્રમ 

નિલેશ દ્વારા કરવામાં આવેલા આ આપઘાત સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે. નિલેશ બાઇક ચલાવીને બહેના સસરા સાથે આવે છે અને બાઈક ઉભી રાખી બહેના સસરાને માવો લેવા મોકલે છે. ત્યારબાદ તે કોઈ મોટા વાહન આવવાની રાહ જોઈ રહ્યો હતો. દરમિયાન કોઈને કોલ પણ લગાવે છે અને ત્યારબાદ કોલ કટ કરીને મોબાઈલ ફોન ખીચામાં મૂકી દે છે.

નિલેશ સતત કોઈ મોટું વાહન આવવાની રાહ જોઈ રહ્યો હોય છે, જ્યારે બહેનના સસરા માવો લેવામાં વ્યસ્ત છે. આ વચ્ચે એક આઈસર ટ્રક આવતા તેની સામે ઘસી જાય છે અને પાછળના ટાયરની નીચે કૂદી જાય છે. ટ્રકનું પાછળનું ટાયર નિલેશ પર ફરી વળે છે. એક જ સેકન્ડ માટે તેનામાં જીવ હોય છે અને ત્યારબાદ તેનું પ્રાણપંખેરું ઉડી જાય છે. આસપાસથી લોકો દોડી આવે છે અને માવો લઈને પરત આવેલા બહેનના સસરા પણ નિલેશને જોઈને દોડી જાય છે.

આજથી બે વર્ષ પહેલા આવીજ રીતે સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસેની ઇશ્વરકૃપા સોસાયટી નજીક પગપાળા જઈ રહેલા યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. સ્કૂલબસનો ડ્રાઈવર કઈ સમજે તે પહેલા તો બસ યુવક ઉપર ફરી વળી હતી. આ ઘટનાના પણ સીસીટીવી સામે આવ્યાં હતાં.


Image Gallery