ભર નિદ્રામાંથી જાગી પરિવાર જીવ બચાવવા ગેલેરીમાં ભાગ્યો:વહેલી સવારે ફ્લેટમાં આગ ભભૂકી
સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે પરિવાર સૂતો હતો અને ઘરમાં કિચનમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. આગના પગલે ફલેટમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હોવાથી ચાર લોકો ઘરની ગેલેરીમાં આવી ફસાઈ ગયા હતા. આગ અને લોકો ફસાયા હોવાની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને લેડરથી માતા-પિતા અને બે પુત્રને સહીસલામત નીચે ઊતર્યા હતા. ત્યારબાદ આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
આગ બહાર નિકળવાના રસ્તા સુધી પ્રસરી ગઈ હતી
મળતી માહિતી પ્રમાણે, જહાંગીરાબાદ ખાતે આવેલ વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં 48 વર્ષીય વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. આજરોજ (18 જુલાઈ) વહેલી સવારે 03.26 કલાકે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી આખો પરિવાર ઘરની બહાર ન નીકળી શકતા ગેલરીમાં ફસાઈ ગયો હતો.
ત્રણ ફાયર સ્ટેશનને બચાવનો કોલ મળ્યો
વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાનો અને માણસ ફસાયેલા હોવાનો કૉલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો. આગના કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું.
ચાર લોકોનું રેસ્ક્યૂ કરી આગને કાબુમાં લીધી
ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. B બિલ્ડિંગના 302 નંબરના ફ્લેટમાં ફસાયેલા 4 લોકોને કઢાવાની કામગીરી કરી હતી. ફાયર એન્જીન 302 નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલેરી નીચે લાવવામાં આવ્યું હતુ. 35 ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ (ઉં. વ. 48), માયાબેન વિનોદભાઈ પટેલ (ઉં.વ. 47), નંદન વિનોદભાઈ પટેલ (ઉં.વ. 26) અને કશ્યપ વિનોદભાઈ પટેલ (ઉં.વ. 22)ને ત્રીજા માળની ગેલેરીમાંથી સહી સલામત નીચે ઊતર્યા હતાં અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ચારેય સભ્યને પ્રાથમિક સારવાર માટે ખસેડાયા
આગ કિચનના ભાગે લાગવાના કારણે સંપૂર્ણ મકાનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેથી પરિવારના ચાર લોકો ઘરની બહાર નહીં નીકળી શકાતા ઘરની ગેલેરીમાં ચાલી ગયા હતા. ફાયરની ટીમ દ્વારા લગભગ એકથી દોઢ કલાકમાં બચાવ અને આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરી હતી, જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના ચારેય સભ્યોને 108 બોલાવીને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.