Loading...

વડોદરા કોર્પોરેશન 3 ડેડબોડી વાન, 6 મોબાઇલ ટોઇલેટ ખરીદશે

સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડમાં પ્રોમિસિંગ કેટેગરીમાં 18માં (આશ્વાસન ઇનામ) નંબરે આવેલા શહેરની સુવિધાઓમાં વધારો કરવાના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા રૂપિયા 1.38 કરોડના ખર્ચે 3 ડેડબોડી વાન અને‌ રૂપિયા 1.35 કરોડના ખર્ચે 6 મોબાઇલ ટોયલેટ ખરીદવામાં આવશે. તા. 19ના‌ રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ડેડબોડી વાન અને મોબાઇલ ટોઇલેટ ખરીદ કરવાના કામ સહિત વિવિધ વિભાગના 6 કામોના ભાવો મંજૂર કરવાની દરખાસ્ત આવી છે.

3 ડેડબોડી વાન ખરીદાશે 

વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગમાં હાલમાં કુલ 4 ડેડબોડી વાન કમ એમ્બ્યુલન્સ છે. વડોદરા શહેરનો હદ વિસ્તાર વધતો જાય છે. જેથી હાલના ઇ.આર.સી ફાયર સ્ટેશન ઉપરાંત નવીન ફાયર સ્ટેશન બનવાના છે. દરેક ફાયર સ્ટેશને એમ્બ્યુલન્સ વાનની તથા મૃતદેહ વાહિનીની સેવાઓ પૂરી પાડવા માટે કોર્પોરેશન દ્વારા રૂપિયા 1,38,00,000ના ખર્ચે નવી 3 ડેડબોડી વાન ખરીદવામાં આવશે.

જાહેર કાર્યક્રમોમાં મોબાઇલ ટોઇલેટ વાનની માગ થતી હોય છે 

વડોદરા મહાનગર પાલિકાની હદમાં તથા તેની આજુ બાજુ ભારત સરકાર-રાજય સરકાર તથા પાલિકાના નાગરિકલક્ષી, ધાર્મિક કાર્યક્રમો, સામાજીક કાર્યક્રમો વગેરે ઓપન પ્લોટોમાં આયોજન કરવામાં આવે છે. જેમાં આયોજકો દ્વારા મોબાઇલ ટોઇલેટ વાન ફાળવી આપવા માંગણી કરવામાં આવે છે.

સ્લમ વિસ્તારમાં જરૂરિયાત અનુસાર મુકવામાં આવે છે 

આ ઉપરાંત ઝૂપડપટ્ટી, સ્મલ એરીયા વગેરે જેવા વિસ્તારોમાં રહેતા ગરીબ શહેરીજનો માટે ટોઇલેટ જેવી સુવિધા ન હોવાથી આવા સ્થળે પણ પાલિકાની ફરજના ભાગરૂપે મોબાઇલ ટોઇલેટ વાન જરૂરીયાત અનુસાર વોર્ડ-ઝોન કક્ષાએથી મુકવામાં આવે છે.

પાલિકા પાસે 4 મોબાઇલ ટોઇલેટ વાન કાર્યરત 

હાલમાં પાલિકા પાસે 4 મોબાઇલ ટોઇલેટ વાન કાર્યરત છે. જે આશરે 10 વર્ષ જૂના છે. જેથી પાલિકા દ્વારા રૂપિયા 22,64,500નું એક એવા રૂપિયા 1,35,87,000ના 6 મોબાઇલ ટોઇલેટ ખરીદવામાં આવશે. જે ઇજારદાર પાસેથી મોબાઇલ ટોઇલેટ ખરીદવામાં આવશે તે ઇજારદારને પ્રતિ મોબાઇલ ટોઇલેટ રૂપિયા 1003 સંચાલન અને મેઇન્ટેનન્સ માટે અલગ ચૂકવવાના રહેશે.

ડ્રેનેજ લાઈન નાખવા સહિતના વિવિધ કામની દરખાસ્ત આવી 

આ ઉપરાંત અકોટા વિસ્તારમાં આઇ.ઓ.સી. નગરથી શક્તિ પાર્ક સુધી રૂપિયા 22 લાખના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાંખવાનુ કામ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સબમર્સીબલ પંપ સેટ રીપેરીંગ અને મોટર રીવાઇન્ડીગનુ કામ રૂપિયા 20 લાખના ખર્ચે કરવાનું કામ અને જમીન મિલકત શાખા દ્વારા પાલિકા હસ્તકના 24 પ્લોટો પે એન્ડ પાર્કથી આપવાનું કામ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.