ઇન્સ્ટાગ્રામમાં કપડાના વેચાણની જાહેરાત કરી છેતરપિંડી:રાજુલા પોલીસે રેકેટનો પર્દાફાશ કર્યો
રાજુલા પોલીસે સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનથી બે આરોપીને ઝડપી પાડ્યા છે. જેઓ ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન લોભામણી સ્કિમ આપી કપડાના વેચાણની જાહેરાત કરી છેતરપિંડી આચરતા હતા. પોલીસે પુછપરછમાં આરોપીઓએ અલગ અલગ જિલ્લાના 26 લોકો સાથે કૂલ પોણા આઠ લાખની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે.
તારીખ 23/10 /2024ના રોજ ઇન્સ્ટાગ્રામમાં @મહાલક્ષ્મી ફેશન નામના એકાઉન્ટ પરથી ઓનલાઈન ચણયાચોળી તથા કપડાઓના વેચાણની જાહેરાત કરાઈ હતી. જેથી એક વ્યક્તિએ ઓનલાઈન પેમેન્ટ કરી ઓર્ડર બુક કર્યો હતો. જોકે, આરોપીએ જણાવાયું હતું કે, તમારું પેમેન્ટ ડિસ્પ્લે થયું છે જેથી તમારે ફરીથી પેમેન્ટ કરવું પડશે. આ રકમ તમને પરત મળી જશે. જેને પગલે ફરીયાદીએ ફરીથી પેમેન્ટ કર્યું હતું. જોકે, તેમ છતાં પેમેન્ટ મળ્યું ન હોવાનું કહી ફરીવાર ડબલ પેમેન્ટ કરવાનું કહી બધું પેમેન્ટ પરત મળી જશે તેમ જણાવ્યું હતું. ફરિયાદી પાસેથી અલગ અલગ ટ્રાન્જેકશન કરાવી કૂલ 99,050ની રકમ પડાવી લીધી હતી.
યુવકને પોતાની સાથે ફ્રોડ થવાની જાણ થતાં સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરી ફરીયાદ આપતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે બાદ SP સંજય ખરાત દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં હતા. જેથી IPS અને સાવરકુંડલા ડીવીઝનમાં ASP તરીકે ફરજ બજાવતા વલય વૈદ્યએ આરોપીને પકડવા માટેની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન રાજસ્થાનના જયપુરમાંથી 2 આરોપીને ઝડપી લીધા હતા.
સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પેજ મારફતે જાહેરાત કરી લોભામણી સ્કીમ આપી, અલગ અલગ બેંકના ખાતાઓનો ઉપયોગ કરી પેમેન્ટ કરાવી છેતરપીંડી આચરતા હતા.અલગ અલગ મોબાઈલ તથા અન્ય લોકોના નામ સરનામાં આપેલ અને આરોપીઓ પોતાની કોઇ વ્યક્તિગત સાચી માહિતી છુપાવી અને ખોટી માહિતી આપતા હતા.પોલીસે ઇન્સ્ટાગ્રામમાં @mahalaxmi_fashion એકાઉન્ટની વિગતો ચેક કરી હતી. તેમજ ફરિયાદીએ ઉપયોગ કરેલા મોબાઈલ નંબરનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું હતું. આરોપીઓ સિમ કાર્ડ અથવા મોબાઈલ તથા સીમકાર્ડ નાશ કરી નાખતા હતા.
ટેક્નિકલ એનાલિસિસ કરતા આરોપીઓના અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સામે આવ્યાં હતા. જેમાં @laxmi_collection001(2)@ekta_fashion(3)@maharani_shop(4)ekta_collection01 આ તમામ અકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. આરોપીએ એક વર્ષ દરમિયાન 10 જેટલા મોબાઈલ નંબર બદલેલા જે તમામ નંબરોનું એનાલિસિસ કર્યું અને એક વર્ષ દરમિયાન આરોપીનું મુવમેન્ટનું એનાલિસિસ કર્યું હતું. જેના આધારે પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.
રાજુલા પી.આઈ.એ.ડી.ચાવડાની ટીમ દ્વારા બને આરોપીને ઝડપી લીધા છે. જેમા સન્ની રાજુભાઇ સેન, રહે.જયપુર ગોનેર રોડ રાજસ્થાન, રવિન્દ્રસિંઘ જોગેન્દ્ર સિંઘ રે.જયપુર, રાજસ્થાનનો સમાવેશ થાય છે. અને 2 આરોપી ફરાર છે જેમાં પ્રતિમ બેરવા રહે.જયપુર, મૂળ હરિયાણા, મોનું સાખલાનો સમાવેશ થાય છે.
રાજુલા પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ કરતા અન્ય ગુના આચર્યા હોવાની પણ કબૂલાત કરી હતી. 2 આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધા બાદ ગુજરાત રાજ્યનું મોટું સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું છે. અલગ અલગ જિલ્લાના લગભગ 26 જેટલા લોકો ભોગ બન્યા છે. લોકલ ખાતાધારકોના ખાતામાં ગેમિંગ સાઈડના પેસા નખાવી અને બંને આરોપીઓ રોકડામાં રૂપાંતર કરતા હતા.
સાયબર ફ્રોડમા ભોગ બનનારની વિગતો ખુલતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય હતી. જેમાં 99,500, આ સહિત સાયબર હેલ્પલાઇન મારફતે ફ્રોડની ફરીયાદો નોંધાય હતી. જેમાં સુરત શહેરના યુવક સાથે 30,100,અમદાવાદ શહેરના વેજલપુરની એક મહિલા સાથે 50,000,અમરેલી જિલ્લાની લીલીયા તાલુકાની મહિલા સાથે 1999,રાજકોટ શહેરની એક મહિલા સાથે 27,100,સુરત જિલ્લાના કિમ ગામની એક મહિલા સાથે 90,000,સુરત જિલ્લાના અમરોલી જિલ્લાની એક મહિલા સાથે 40,000,જૂનાગઢ જિલ્લામાં ગોરખપુરની એક મહિલા સાથે 9,500, મોરબી જિલ્લાની એક મહિલા સાથે 60,000,અમદાવાદ જિલ્લાના ધંધુકાના ગ્રામ્ય વિસ્તારના એક યુવક સાથે 65,000, અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારની એક મહિલા સાથે 99,000 તેમજ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારની મહિલા સાથે 6600 રૂપિયાની છેતરપિંડી થઈ હતી.
આ ઉપરાંત સુરતના ડાભોલી વિસ્તારમા મહિલા સાથે 20,000, સુરતના કતારગામની એક મહિલા સાથે 5,000, ગાંધીનગરના ક્લોલની એક મહિલા સાથે 10,000, બરોડાના માંજલપુર વિસ્તારની મહિલા સાથે 50,000, જામનગરના ધોરાજી વિસ્તારની એક મહિલા સાથે 25,000, અમદાવાદ શહેરની એક મહિલા સાથે 11,000, મહેસાણા જિલ્લામાં ઉનાવા વિસ્તારની એક મહિલા સાથે 10,000, ભરૂચ જિલ્લામાં નદેલા વિસ્તારની મહિલા સાથે 4,000, જામનગરની મહિલા સાથે 3,800, રાજકોટ જિલ્લાની જેતપુર વિસ્તારની એક મહિલા સાથે 2,000, સુરત શહેરની મહિલા સાથે 1,000 મળી કુલ 7,76,199ની છેતરપિંડી આચરવામાં આવી હતી. તપાસ દરમિયાન વધુ વિગત ખુલી શકે છે.