Loading...

છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ:જૂનાગઢના માંગરોળમાં સાડા ત્રણ ઇંચ

રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાસુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો. જોકે, છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ 

અમદાવાદ શહેરમાં મોડી રાતથી વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, જગતપુર, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં અડધો ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. વહેલી સવારે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જ્યારે વહેલી સવારથી પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇવે, થલતેજ, શીલજ, બોપલ, સરદાર પટેલ રિંગ રોડ, ઇસનપુર, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ 

છેલ્લા 24 કલાકમાં એટલે કે રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સાડા ત્રણ અને જામનગરના જોડિયામાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢ શહેર વલસાડના વાપી અને ઉમરગામ સાથે કચ્છના ભચાઉમાં બે ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં એક બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

આજે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા આજે જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ઝાપટાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

26 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી 

હવામાન વિભાગ દ્વારા 26 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક રીતે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલનું ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પરનું ડિપ્રેશન પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધીને વેલમાર્ક લો પ્રેસરમાં બદલાયુ છે. મોનસુન ટ્રફ પાકિસ્તાન, રાજસ્થાન, ઉત્તર ભારતમાં થઈને બંગાળ સુધી વિસ્તરેલ છે.