બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટીમાં રેડ:સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં 39 લોકો પીધેલા પકડાયા
અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે(20 જુલાઈ) મોડીરાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતી મળી કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં. તમામને મોડીરાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. એ બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિત્તે આ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી.
ગ્લેડ વન રિસોર્ટમાં બાતમીના આધારે પોલીસની રેડ
રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે 100 લોકો હાજર હતા. શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે 100માંથી 13 યુવક અને 26 યુવતી દારૂ પીધેલી હાલત હતાં. કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી.
પોલીસ કાર્યવાહી મોડીરાત સુધી ચાલી
પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયાં હોવાથી મોડીરાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી. યુવક-યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયાં હોવાથી લોકોના પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
5 સીલબંધ દારૂની બોટલ જપ્ત
DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 20 જુલાઈની રાત્રે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચને સાથે રાખી રેડ કરવામા આવી હતી. પોલીસ રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘી હોવાનું સામે આવ્યું હતું. રેડ દરમિયાન હાજર મહિલા-પુરુષોની બ્રેથ એનેલાયઝરથી તપાસ કરતાં 13 પુરુષ અને 26 મહિલા શંકાસ્પદ પીધેલ હાલતમાં મળ્યાં હતાં. જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળતાં કબજે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
20 જુલાઈએ ક્લહાર બ્લૂ ગ્રીન વિલન મકાનમાંથી દારૂની મહેફિલ માણી રહેલા 12 નબીરા ઝડપાયા
આ ઉપરાંત 20 જુલાઈએ વહેલી સવારે પણ ક્લહાર બ્લૂ ગ્રીન વિલન મકાનમાંથી દારૂની મહેફિલ માણતા 12 નબીરા ઝડપાયા હતા. પોલીસે અમદાવાદ,ગાંધીનગર અને મુંબઈમાં રહેતા 12 યુવકોને દારૂ પીતા ઝડપ્યા હતા.આ બનાવના 24 કલાકમાં જ પોલીસે અન્ય હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ કરી છે.