Loading...

રાજકોટના 5 બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ

રાજકોટ શહેર અને જિલ્લાની સમીક્ષા બેઠક આજે (20 જુલાઈ) પ્રભારીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં તાજેતરમાં જે વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બની તેને ધ્યાનમાં રાખી થયેલા ઇન્સ્પેક્શન દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લાના પાંચ બ્રિજ નબળા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પાંચેય બ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવાનુ જાહેર થયું છે. તો સાથે જ તેમના દ્વારા નેશનલ-સ્ટેટ હાઇવે, રસ્તાઓ પર પડેલા ખાડા સત્વરે બુરવા તાકીદ કરવામાં આવી હતી. જ્યારે મહાનગરપાલિકામાં મળેલી સમીક્ષા બેઠક દરમિયાન મનપામાં BU પરમિશન, ઇમ્પેક્ટ ફીની અરજીઓનો ઝડપથી નિકાલ લાવવા આદેશ આપવામાં આવ્યો હતો.

આ 5 બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ

  1. ધોરાજી-જામકંડોરણા-કાલાવડ રોડ પરની ભાદર નદી પર વેગડી ગામ નજીકનો મેજર બ્રિજ
  2. સુપેડી-ઝાંઝમેર-સોડવદર-જામટીંબડી-ચિત્રાવડ-જુનામાત્રાવડ-ચાંવડી-જામદાદર-એન.એચ.રોડ વચ્ચે આવેલ માઇનોર બ્રિજ
  3. જામકંડોરણા-ખજુરડા-ટીંબડી-અરણી-ભાયાવદર-ખારચીયા રોડનો ભાયાવદર ગામ પાસે આવેલ માઇનોર બ્રિજ
  4. ઉપલેટા-કોલકી-પાનેલી-સીદસર રોડ પરનો મેજર બ્રિજ
  5. એન. એચ. ટૂ નવાગામ આણંદપર એપ્રોચ રોડ બ્રિજ (આ બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવા બાબતે જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ચાલુ છે.)

જિલ્લામાં પ્રભારીની વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓ-પદાધિકારીઓ સાથે ચર્ચા 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્યના મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત-નિરીક્ષણ કરી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં આજે રાજકોટ જિલ્લામાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના વિવિધ માર્ગોને ચોમાસાની ઋતુ દરમિયાન થયેલું ધોવાણ અને નુકસાન તેમજ નુકસાન બાદ આ માર્ગોના દુરસ્તીકરણ માટે હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે પ્રભારી સચિવ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. વરસાદના પરિણામે રોડ રસ્તાઓ પર પડેલા ખાડા-ગાબડા પૂરવા સહિતનું જરૂરી રિપેરિંગ ટૂંક સમયમાં પૂર્ણ થાય અને પ્રજાને અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા તેમણે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશે પ્રેઝન્ટેશન થકી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતે મંત્રીને માહિતગાર કર્યા હતાં.

આ તકે રાઘવજી પટેલે રાજકોટ જિલ્લાના માર્ગ અને મકાન (સ્ટેટ, પંચાયત તથા નેશનલ હાઇવે ડિવિઝન), નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જી.એસ.આર.ડી.સી., પ્રાદેશિક નગરપાલિકા કમિશનરની કચેરી, રૂડા તથા રેલવે વિભાગ હેઠળ જિલ્લામાં આવેલા પૂલોની સ્થિતિ અને નિરીક્ષણ વિશે, જરૂરી મરામત કામગીરી અંગે તેમજ અમુક પૂલ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ? તે સહિતની વિગતવાર માહિતી મેળવી હતી. ક્રિટિકલ સ્થિતિમાં જણાયેલ જિલ્લાના પાંચ બ્રિજ પર ભારે વાહનોના આવાગમન બંધ કરાવવા સાથે જરૂરી રિપેરિંગ અને મેઈન્ટેનન્સની કામગીરી સાથે વાહન-વ્યવહાર જળવાઈ રહે તેવા આયોજન માટે ડાયવર્ઝન સહિતના પગલાં અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ખરાબ રસ્તા, પૂલનું સમારકામ ઝડપી કરવા આદેશ 

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનોની સ્થિતિ વિશે પણ વિગતવાત માહિતી મેળવી સમીક્ષા કરી હતી. તેઓએ રસ્તા, પૂલ પર જરૂરી સમારકામની કામગીરી વેગવંતી બનાવવા તથા સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન જન સામાન્યને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે બાબત પર મંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો.

રાજકોટ મનપામાં પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક 

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તા, બ્રિજ અને અન્ય વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડિયા, સાસંદ રામ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BU પરમીશન-ઇમ્પેક્ટ ફીની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા સૂચના 

રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને લોકોના પ્રશ્નોનો યુદ્ધના ધોરણે નિકાલ કરવામાં આવી રહ્યો છે. તેમણે રાજકોટમાં રસ્તા, વરસાદી પાણીનો નિકાલ અને જર્જરિત ઇમારતો અંગે ચાલી રહેલી કામગીરીની સરાહના કરી હતી અને ભવિષ્યમાં પણ લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તે સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવા માટે આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમજ રાજકોટ બી.યુ. પરમીશન અને ઇમ્પેક્ટ ફીની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા પણ સૂચના આપી હતી. આ ઉપરાંત, તેમણે રાજ્ય સરકાર કક્ષાના મુદ્દાઓને પણ ઝડપથી ઉકેલવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.

આ બેઠકમાં નગરસેવકોએ રસ્તા, પાણી, આવાસ, નવા બ્રિજ વગેરે બાબતો અંગે જરૂરી કામગીરી કરવા તંત્રને વિનંતી કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે પ્રેઝન્ટેશન દ્વારા રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા બ્રિજ, આંગણવાડી, મનપાની ઇમારતો, આરોગ્ય કેન્દ્રો, વોર્ડ ઓફિસો, ફાયર સ્ટેશનો, આવાસ યોજના, લાઈબ્રેરીઓ, ખાનગી બિલ્ડીંગો, વિવિધ રોડ અને વોટર મેનેજમેન્ટ યુનિટ અંગે અહેવાલો રજૂ કર્યા હતા.


Image Gallery