અમદાવાદ-ગાંધીનગર સહિત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:રાજ્યના 46 ડેમ હાઇ એલર્ટ પર
રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાસુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે.શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો. જોકે, છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી 10 જિલ્લામાં ઓરેન્જ અને 23 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે રાજ્યના 206 ડેમની સ્થિતિની વાત કરીએ તો 46 ડેમ હાઇ એલર્ટ, 18 એલર્ટ અને 25 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે સરદાર સરોવર ડેમ 56.78 ટકા ભરાયો છે.
આ જિલ્લામાં 4 વાગ્યા સુધી યલો-ઓરેન્જ એલર્ટ
ગાંધીનગર,અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, નવસારી, વલસાડ, મોરબી, દમણ, દાદર અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી માહોલ
અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ગતરાતથી ફરીથી વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરના રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, જગતપુર, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં અડધા ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે ગાંધીનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કાળા ડિંબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છવાયો છે.
7 દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 21થી 25 જુલાઈ સુધી ઠંડરસ્ટ્રોમ અને ગાજવીજ થવાની શક્યતા છે અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે 23, 24 અને 25 જુલાઈ દરમિયાન પવનની ગતિ 40થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ખાસ કરીને આજે અને 26 અને 27 જુલાઈના રોજ રાજ્યમાં છૂટાછવાયા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે આ જિલ્લામાં વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 22 જુલાઈના રોજ વીજળી સાથે આછું વાવાઝોડું અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં એટલે કે રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સાડા ત્રણ અને જામનગરના જોડિયામાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢ શહેર વલસાડના વાપી અને ઉમરગામ સાથે કચ્છના ભચાઉમાં બે ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં એક બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.