Loading...

બાબા બર્ફાનીનાં દર્શન પહેલાં જ દુનિયા છોડી:20 પગથિયાં દૂર પડી જતાં બ્રેઈન-હેમરેજ થયું

બાબા બર્ફાનીના દર્શન થાય તે પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા ત્યાં તેમને પડી જતા બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. બાદમાં તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેઓ કોમામાં જતા રહ્યા અને 10 દિવસ સુધી ICUમાં સારવાર બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. આજે (22 જુલાઈ) મહેશભાઈના મૃતદેહને શ્રીનગરથી વડોદરા લવાશે. ઉલ્લેખનીય છે કે વડોદરાના યાત્રિકનો એક અંતિમ વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે નાચતા કૂદતા જોવા મળ્યા હતા.

12 દિવસ પહેલા વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયા હતા 

વડોદરાના તરસાલી વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઉત્તેકર 12 દિવસ પહેલા વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયા હતા. જ્યાં તેઓ બાબા અમરનાથની ગુફાથી માત્ર 20 પગથિયા દૂર હતા ત્યારે તેઓ પડી ગયા હતા અને તેમને બ્રેઈન હેમરેજ થયું હતું અને જેથી તેમને તુરંત જ શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કોમામાં જતા રહ્યા હતા અને તેમને છેલ્લા 10 દિવસથી ICUમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈ ઉત્તેકરનું અવસાન થયું છે. જેને પગલે તેમના મૃતદેહને શ્રીનગરથી બાય પ્લેન કોફીનમાં વડોદરામાં લાવવામાં આવશે.

બાબા અમરનાથનાં દર્શન થાય એ પહેલાં જ દુનિયા છોડી દીધી 

મહેશભાઈ ઉત્તેકર તેમના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા, ત્યારે તેમને મિત્રો સાથે તસવીરો લીધી હતી અને વીડિયો પણ ઉતાર્યા હતા. આ વીડિયો અને તસવીરમાં તેઓ ખૂબ ખુશ જણાતા હતા. વીડિયોમાં તેઓ નાચતા કુદતા પણ જોવા મળે છે. પરંતુ બાબા અમરનાથનાં દર્શન થાય તે પહેલા જ તેઓએ આ દુનિયા છોડી દીધી.

ટિકિટ અને કોફીનની વ્યવસ્થા સાઈન બોર્ડે કરી 

માં શિવાની રંગ અમ૨નાથ ચેરીટેબલ ટ્રસ્ટના અંબુભાઈ પટેલ અને વડોદરાના પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડની મદદથી તેમને વડોદરા લાવવામાં આવી રહ્યા છે. ટિકિટ અને કોફીનની વ્યવસ્થા સાઈન બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

મૃતકનો પુત્ર હૈદરાબાદમાં આર્મીમાં ફરજ બજાવે છે 

મૃતક મહેશભાઈના પરિવારમાં તેમનો પુત્ર હૈદરાબાદ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેમની પત્ની અને બે દીકરી પણ છે. મહેશભાઈ મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. મહેશભાઈના અચાનક મૃત્યુથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

બપોરે 1 વાગ્યે પાર્થિવદેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, ત્યાંથી બાય રોડ વડોદરા લઈ જવાશે 

મા શિવાની રંગ અમ૨નાથ ચેરિટેબલ ટ્રસ્ટના અંબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડોદરાના અમરનાથ યાત્રી મહેશભાઈ ઉત્તેકર બાલાતાલથી અમરનાથ પહોંચ્યા હતા. બ્રેઈન હેમરેજ થતા તેમનું અવસાન થયું છે. જેથી તેમના પાર્થિવ દેહને પ્લેન મારફતે વડોદરા મોકલવામાં આવશે. આજે બપોરે 1 વાગ્યે તેમનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જશે. જ્યાંથી બાય રોડ વડોદરા જશે.

મહેશભાઈના અચાનક અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ 

પૂર્વ મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રામાં મહેશભાઈના અચાનક અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ છે અને અમે પણ ખૂબ જ દુઃખી છીએ. આજે સાંજે મહેશભાઈ ઉત્તેકરનો પાર્થિવ તેમના ઘરે પહોંચશે અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.