Loading...

દાતારના જંગલમાં ચંદનના 5 વૃક્ષો ચોરાયા:‎મોડી રાત્રે વન તંત્રનું સર્ચ ઓપરેશન શરૂ

દાતારના જંગલમાંથી ચંદનના 5 વૃક્ષો કાપીને ચોરી ગયા હોવાની માહિતી મળતા જ વન વિભાગમાં હડકંપ મચી ગયો હતો અને સોમવારે મધરાતે બે ગાડીઓમાં 10થી વધુ વન કર્મચારીઓનો કાફલો સર્ચ ઓપરેશન માટે પહોંચી ગયો હતો. મધરાતે 11:30 વાગે શરૂ થયેલી આ હિલચાલની જાણ થતા જ ભાસ્કરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઓપરેશનનો લાઈવ અહેવાલ તૈયાર કર્યો હતો.

જૂનાગઢમાં દાતારના જંગલમાં ચંદન ચોર ટોળકી ત્રાટકીને ચંદનના પાંચ વૃક્ષો કાપી ગઈ હોવાની માહિતી મળતા જ આરએફઓ ભાલીયા સહિતના કર્મચારીઓ સોમવારે રાત્રે દોડી ગયા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે સોમવારે રાત્રે 11:55 કલાકના રોજ વન વિભાગના કર્મચારીઓએ જંગલની અંદર કોમ્બિંગ શરૂ કરી દીધું છે. જોકે, ચંદન ચોર ટોળકીનો એક પણ સભ્ય હાથમાં હજુ આવ્યો નથી. એટલું જ નહીં પણ, વૃક્ષો કઈ જગ્યાએ કપાયા છે અને કોણ કાપી ગયું એની પણ વન તંત્રને ખબર નથી. વન વિભાગના માહિતગાર સૂત્રો કહી રહ્યા છે કે, મધ્યપ્રદેશની ગેંગ હોવાની શક્યતા છે.

જંગલમાં ઘાતક શસ્ત્રો સાથે છુપાયાની શંકા 

ચંદનના વૃક્ષો કાપી જનારી ટોળકી હજુ દાતારના જંગલમાં જ છુપાયેલી હોવાની વન વિભાગને શંકા છે એટલે સોમવારે મધરાતે કોમ્બિંગ શરૂ કર્યું છે. વનતંત્રની ટીમનું આ સર્ચ ઓપરેશન આખી રાત ચાલે એવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે.

ચંદન ચોરી સામાન્ય ગુનો છે : RFO 

આરએફઓ ભાલીયાએ કહ્યું કે, ચંદન ચોરી એ સાવ સામાન્ય ગુનો છે. એમાં દંડ ભરીને જવા દેવામાં આવે છે. અહીં છેલ્લા ઘણા સમયથી ચંદન ચોરી થઈ રહી છે. પણ હાથમાં કોઈ આવતું નથી.