સુરતના કાપડ દલાલના અપહરણના CCTV:મુંબઈની હોટેલમાંથી કારમાં લઈ જઈ 50 લાખ માગ્યાં
મુંબઈમાં કામ અર્થે ગયેલા સુરતના વેસુ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈની એક હોટલમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અપહરણકારો રોહિતને હોટલમાંથી કારમાં બેસાડી લઈ જતા હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. એટલું જ નહીં, અપહરણકારોએ રોહિતની પત્ની પાસે રૂપિયા 50 લાખની ખંડણી માંગી હતી અને ખંડણી ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે રૂ. 2.10 લાખના ઘરેણાં પણ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેના વીડિયો સામે આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાક્રમના વીડિયો ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
પત્નીનો ફોન બંધ આવતા તેના મિત્રને જાણ કરી
રોહિત જૈન 19મી જુલાઈની રાત્રે પોતાના કામ માટે મુંબઈ ગયા હતા અને ત્યાંની સોના હોટેલમાં રોકાયા હતા. 20મી જુલાઈના સવારે જ્યારે તેમની પત્નીએ ફોન કર્યો, ત્યારે તેમના બંને નંબર બંધ આવતા હતા. પત્નીને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેમણે મુંબઈ રહેતા પતિના મિત્ર મેહુલને ફોન કરીને તપાસ કરવાનું કહ્યું હતું. મેહુલની તપાસમાં જાણવા મળ્યું કે, રોહિતે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યે જ ચેકઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ હોટલના CCTV ફૂટેજ ચેક કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે, ચારથી પાંચ લોકો રોહિતને હોટેલમાંથી બહાર કાઢીને એક કારમાં બેસાડીને લઈ જાય છે. હોટલની અંદરના CCTV કેમેરામાં પણ આ કિડનેપર્સ કેદ થયા છે. આ દૃશ્યો જોતા જ પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યાં
વેસુ પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ, રોહિત જૈનની પત્નીએ આ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડીસીપી વિજય ગુર્જરના જણાવ્યા મુજબ, વેસુના કાપડ દલાલ રોહિત જૈનનું ઉઘરાણી બાબતે મુંબઈની હોટેલમાંથી રાહુલ અને ચિરાગ સહિત અન્ય બે અજાણ્યાએ અપહરણ કર્યું હતું. પોલીસે બે જણાને હિરાસતમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્યોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જોકે, રાહતની વાત એ છે કે મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું જાણીને કાપડ દલાલ રોહિત જૈનને મુક્ત કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાએ સુરત અને મુંબઈ બંને શહેરોમાં ખળભળાટ મચાવ્યો છે અને પોલીસ હવે આ સંગઠિત અપરાધના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે.