Loading...

દંપતીના અંડરગાર્મેન્ટ્સ, હેન્ડબેગ માંથી 25 કરોડનું સોનું નીકળ્યું:દુબઇથી 24 કિલો સોનું લઈ પતિ-પત્ની સુરત પહોંચ્યા

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા રૂ. 25.57 કરોડનું 24.827 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 જપ્તીઓમાંની એક છે. આ દાણચોરીનું સોનું પેન્ટ, અંડરગાર્મેન્ટ, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવેલું હતું અને આ ગુનામાં વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેમની પત્ની ડોલીબેન ધોળકિયા (રે.સંસ્કાર રેસીડેન્સી, કોસાડ અમરોલી) સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. નવાઇની વાત એ છે કે, એરપોર્ટ પરથી દાણચોરી CISF દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને કસ્ટમ્સ વિભાગ ઊંઘતુ ઝડપાયું હતું. કસ્ટમ્સની તપાસ અને કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ED અને DRIની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાશે, જે મની લોન્ડરિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે.

બંને મુસાફરોની વ્યક્તિગત તપાસ કરવામાં આવી હતી 

20 જુલાઈના રોજ, AIU (એર ઇન્ટેલિજન્સ યુનિટ), સુરત યુનિટના કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા પેસેન્જર પ્રોફાઇલિંગ અને દેખરેખના આધારે, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-174 દ્વારા દુબઈથી સુરત આવી રહેલા બે મુસાફરોને AIU ટીમ દ્વારા આગમન હોલમાં અટકાવવામાં આવ્યા હતા. સુરત કસ્ટમ્સ, AIU યુનિટ દ્વારા એકત્રિત કરવામાં આવેલા શંકાસ્પદ હિલચાલ પેટર્ન અને ટેકનિકલ પ્રોફાઇલિંગ ઇનપુટ્સના આધારે મુસાફરો પર નજર રાખવામાં આવી હતી. આ દેખરેખ દરમિયાન CISF કર્મચારીઓ દ્વારા એક મુસાફર વિશે મળેલા સમર્થન ઇનપુટથી શંકા વધુ મજબૂત બની હતી. તે મુજબ, બંને મુસાફરોની વિગતવાર વ્યક્તિગત તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં 28.100 કિલો સોનું પેસ્ટ સ્વરૂપમાં મળ્યું 

બંને મુસાફર (પતિ અને પત્ની) વિરલ અને ડોલી ધોળકિયાની તપાસ અને વ્યક્તિગત શોધખોળ દરમિયાન, કુલ 28.100 કિલો સોનું પેસ્ટ સ્વરૂપમાં મળી આવ્યું હતું, જે જીન્સ/પેન્ટ, આંતરિક વસ્ત્રો, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં સ્થાનિક બજારમાં આશરે 25.57 કરોડની કિંમતનું 24.827 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. બંને વ્યક્તિઓની કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ કેસમાં શોધાયેલી મોડસ ઓપરેન્ડી સોનાની દાણચોરી કરવા માટે એડવાન્સ્ડ બોડી કન્સીલમેન્ટ ટેકનીકોનો ઉપયોગ કરવા તરફ નિર્દેશ કરે છે. હજુ વધુ તપાસ ચાલુ છે.

દુબઈથી સુરત સોનાની દાણચોરીનું મોટું સ્કેમ બહાર આવશે 

CISF વિજિલન્સે 28 કિલો સોના સાથે બંને શકમંદને કસ્ટમને સોંપ્યા છે. નિયમ મુજબ કસ્ટમ ઇમિગ્રેશન વિભાગ દુબઈથી 28 કિલો સોનું લાવનાર પતિ વિરલ અને પત્ની ડોલીની પૂછપરછ કરી રહ્યું છે. 28 કિલો સોનાની પેસ્ટ એટલે કે, 25.57 કરોડના સોનાની દાણચોરીનો મામલો હોવાથી બંને શકમંદ સોનું દુબઈથી કોની પાસે મેળવી સુરત લાવ્યા? સુરતમાં આ સોનાની ડિલિવરી તેઓ કોને આપવાના હતાં? સોનાની હેરફેર માટે હવાલાથી નાણાંની વ્યવસ્થા કોણ કોણ કરવાનું હતું? એ મામલે કસ્ટમની તપાસ અને કોર્ટ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમ તપાસમાં જોડાશે. આ પ્રકરણ મની લોન્ડરીંગ, હવાલા સાથે સંકળાયેલું હોવાથી દુબઈથી સુરત સોનાની દાણચોરીનું મોટું સ્કેમ બહાર આવશે.

ડ્યૂટી ઘટતા નફો ઘટ્યો, હવે કિંમત વધવાથી માર્જિન વધ્યો 

અગાઉ ગોલ્ડ પરની ડ્યૂટી વધુ હતી જે સવા વર્ષ અગાઉ ઘટાડી હતી. એટલે સ્વભાવિક રીતે જે ખોટી રીતે ગોલ્ડ મંગાવે છે તેમનો માર્જિન ઘટ્યો છે. એટલે જ થોડો સમય સ્મગલિંગ ઓછું થઈ ગયું હતું. 15 ટકા ડ્યૂટી 6 ટકાની નજીક આવી ગઈ હતી. હવે જ્યારે ગોલ્ડનો ભાવ 80 હજારથી વધીને 1 લાખ પર આવી ગયો છે ત્યારે ફરી સ્મગલિંગ થવા લાગ્યું હોય એમ લાગે છે. કેમ કે ભાવ વધવાથી જે ડ્યૂટી ભરવી પડે છે તે વધી ગઈ છે અને આથી જ સ્મગલરો એક્ટિવ થયા હોય શકે છે.

અગાઉના કેસમાં તમામ જામીન પર, બે પકડાયા નથી 

અગાઉના 27 કરોડના ગોલ્ડ કેસમાં 8 આરોપીઓનાં નામો સામે આવ્યાં હતાં, જેમાં સલમાન અને તૌફિક હજી ઝડપાયા નથી, જ્યારે રિઝવાન નામનો આરોપી આગોતરા જામીન પર છે અને તે દુબઇમાં છે. આ કેસ સાથે સંકળાયેલા એડવોકેટ નદીમ ઇસ્માઇલ ચૌધરી કહે છે કે, ચાર્જશીટ થઈ ગઈ છે અને બીજા આરોપીઓ જામીન પર છે. સુરતમાં આ પહેલા પણ 20 કરોડથી વધુના દાણચોરીના સોના સાથે પકડવાના બે જેટલા કેસ નોંધાયેલા છે. 2023માં DRI એ સોનાની દાણચોરીનો સૌથી મોટો માલ પકડ્યો હતો, જેની કિંમત 25 કરોડ રૂપિયા હતી. સુરત એરપોર્ટ પર પકડાયેલો મોટાભાગનું સોનું દુબઈ અને શારજાહથી આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં દાણચોરી કરીને લાવવામાં આવતું હતું. ઘણીવાર સોનાની દાણચોરી માટે શરીર, કપડાં અને બેગ પર પેસ્ટના રૂપમાં દાણચોરી કરવામાં આવે છે. દર વર્ષે કસ્ટમ અને સુરક્ષા એજન્સીઓ નવી તકનીકી પદ્ધતિઓનો ઉપયોગ કરીને દાણચોરોને પકડવામાં સતત સફળ થઈ રહી છે.