સોમનાથના 15 ગામને જોડતો માર્ગ બિસ્માર:કાજલી યાર્ડથી કાજલી ગામ સુધી ખાડાઓનું સામ્રાજ્ય
સોમનાથથી હિરણ નદીના પુલ પરથી પસાર થતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. આ માર્ગ કાજલી, બાદલપરા સોનારીયા, ઇન્દ્રોય, નાવદ્રા સહિત 15થી વધુ ગામને જોડે છે. કાજલી યાર્ડથી કાજલી ગામ સુધીના રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકો અવરજવર કરે છે. ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાદલપરા ગામના રહેવાસી જશુભાઈ કછોટના જણાવ્યા મુજબ, દર ચોમાસામાં આ માર્ગની સ્થિતિ વધુ કથળે છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આવતા યાત્રિકોને પણ આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. આ પરિસ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની છબિને નુકસાન પહોંચાડે છે. ત્યારે સ્થાનિક લોકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગ્રામજનોએ સરકાર પાસે માર્ગની તાત્કાલિક મરામત કરાવવાની માંગણી કરી છે.