હિન્દુ સંગઠનોનું શાહપુર-ઘી કાંટા બંધનું એલાન:હોમગાર્ડ જવાનની હત્યા પાછળ છેડતી નહીં MD ડ્રગ્સ જવાબદાર હોવાનો આક્ષેપ
અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે. પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આજે હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ MD ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘી કાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનના પગલે મોટાભાગની દુકાનો આજે બંધ રહી હતી.
વહેલી સવારથી જ શાહપુર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે, જ્યારે હિન્દુ સંગઠનો દ્વારા હોમગાર્ડ જવાનની હત્યાના મુદ્દે એકઠા થઈને બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે દુકાનો અને બજારો બંધ કરાવવા નીકળેલા હિન્દુ સંગઠનના નેતાઓને ડિટેઈન કર્યા છે.
બદરુદ્દીને નેફામાંથી છરી કાઢી હુમલો કરી દીધો હતોદિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. બદરુદ્દીન નામના શખસે મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ હોવાનું કહી હોમગાર્ડ જવાન સાથે ઝઘડો કર્યો હતો. હોમગાર્ડ જવાન કંઈ સમજે તે પહેલા જ બદરુદ્દીને નેફામાંથી છરી કાઢી હુમલો કરી દેતા નાસભાગ મચી હતી. દિલ્હી દરવાજા વિસ્તારમાં બનેલી આ ઘટના એક દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી જે સીસીટીવી પણ હવે સામે આવ્યા હતા. પોલીસે હત્યા મામલે બદરૂદ્દીન અને તેની સાથે રહેલી યુવતીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક કિશન હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ભોઈવાડાની પોળમાં રહેતો કિશન શ્રીમાળી હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે રાત્રિના દિલ્હી દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બદરુદ્દીન શાહ નામના શખસે તેને આંતર્યો હતો અને કહ્યું હતું કે, મેરી બીબી કે સામને ક્યુ દેખતા હૈ. આ વાતચીત કરી બદરુદ્દીને મારામારી શરૂ કરી હતી. થોડીવારમાં જ બદરુદીને પોતાની પાસે રહેલી છરી કાઢીને કિશન પર હુમલો કરી દેતા નાસભાગ મચી હતી.
ગંભીર રીતે ઘાયલ કિશનનું સારવાર દરમિયાન મોત
કિશન પર કરાયેલો હુમલો એટલે જોરદાર હતો કે, કિશનના પેટના ભાગના આંતરડા બહાર આવી ગયા હતા. કિશનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે બદરુદ્દીન શાહ નામના શખસ અને તેની સાથે રહેલી યુવતીએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
હુમલા સમયે અન્ય લોકો પણ હાજર હતા
દિલ્હી દરવાજા વિસ્તારમાં થયેલી હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં રાત્રિના સમયે બનેલા આ બનાવ સમયે રસ્તા પર વાહનોની અવરજવર જોવા મળી હતી. મૃતક કિશન અને આરોપી વચ્ચે જ્યારે બોલાચાલી થઈ રહી હતી અને હુમલો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે પણ નજીકમાં કેટલાક લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા.