રૂ.1000નું ડિવાઇસ યુવતીઓને હેવાનોથી બચાવી શકશે
ભારતમાં મહિલાઓ પર વધતા ગુનાખોરીના બનાવો વચ્ચે સુરતનો એક 18 વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હરમિત શૈલેષકુમાર ગોધાણી આશાનું કિરણ બનીને ઊભરી આવ્યો છે. જે ઉંમરે યુવાનો સામાન્ય રીતે સોશિયલ મીડિયા કે મનોરંજનમાં રચ્યાપચ્યા રહે છે, તે ઉંમરે હરમિતે 'વુમન સેફ્ટી' માટે એક ક્રાંતિકારી ડિવાઇસ તૈયાર કર્યું છે, જેનું નામ છે 'Who Safe'. આ ફક્ત એક ઇંચનું ડિવાઇસ છે જે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે 'સંજીવની' સાબિત થઈ શકે છે. એક બટન દબાવતા જ 500થી વધુ લોકોને એલર્ટ કરી દેશે. પહેલા કોલ મળશે અને 2 સેકંડ પછી લાઈવ લોકેશન.
એક બટન, સેંકડો કોલ અને લાઇવ લોકેશન
કલ્પના કરો કે, કોઈ યુવતી ખતરામાં છે અને મદદ માટે બૂમો પાડવાની પણ સ્થિતિમાં નથી. શહેરના કોઈ અજાણ્યા ખૂણે કે મોડી રાત્રે સાર્વજનિક સ્થળે, જ્યારે પરિસ્થિતિ ગંભીર બને અને સમયનો અભાવ હોય, ત્યારે આ 'Who Safe' ડિવાઇસ તેનો સૌથી મોટો સહારો બનશે. માત્ર એક બટન દબાવતા જ યુવતીના લગભગ 500થી વધુ ઓળખીતાને જેમાં પરિવારજનો, નજીકના મિત્રો, વિશ્વાસુ સહકર્મીઓ અને કદાચ પોલીસના ઈમરજન્સી સંપર્કો પણ સામેલ હોઈ શકે છે, એકસાથે ફોન કૉલ જશે.
કટોકટીમાં એક પણ સેકન્ડનો બગાડ નહીં થાયઆટલું જ નહીં, કોલ પછી તરત જ યુવતીનું લાઇવ લોકેશન વ્હોટ્સએપ પર મોકલી દેવામાં આવશે. આ સતત અપડેટ થતું લાઇવ લોકેશન, મદદ કરનારાઓને યુવતી સુધી ઝડપથી પહોંચવામાં મદદ કરશે, જેથી કટોકટીમાં એક પણ સેકન્ડનો બગાડ ન થાય. આ ડિવાઇસ મોબાઇલ એપ્લિકેશન સાથે બ્લુટુથ દ્વારા અથવા સીધા કનેક્શનથી જોડાઈ જાય છે અને એપ્લિકેશન દ્વારા કાર્ય કરે છે. હરમિતે જણાવ્યું કે, 'પહેલા કોલ જાય છે અને બે સેકન્ડ પછી મેસેજ આવે છે જેમાં લાઇવ લોકેશન હોય છે. જો કોઈ સર્વરમાં પ્રોબ્લેમ હોય તો આ પ્રોસિજરને પાંચ સેકન્ડ લાગી શકે છે, પરંતુ અમારો પ્રયાસ મહત્તમ સ્પીડથી મદદ પહોંચાડવાનો છે.'
સાયલેન્ટ ફોન પણ કરશે તો પણ કરશે એલર્ટ
આ ડિવાઇસની સૌથી અદભુત અને ક્રાંતિકારી વિશેષતા એ છે કે, જ્યારે આ ડિવાઇસનું બટન દબાવવામાં આવે છે, ત્યારે જેને સંદેશો મળે છે તેનો મોબાઇલ ફોન જો સાયલેન્ટ મોડ પર હશે, તો પણ તેમાં હાઈ બીપ વાગશે. આ સુવિધા એ સુનિશ્ચિત કરે છે કે, કોઈપણ સંજોગોમાં મદદ કરનાર વ્યક્તિ તરત જ પરિસ્થિતિથી વાકેફ થાય અને તાત્કાલિક કાર્યવાહી કરી શકે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો પોતાના ફોન સાયલેન્ટ પર રાખે છે, ખાસ કરીને કામ પર હોય કે રાત્રે સૂતી વખતે. આવી પરિસ્થિતિમાં કોઈ કટોકટીનો સંદેશો ચૂકી જવાય તેવી શક્યતા રહે છે, પરંતુ હરમિતના આ ડિવાઇસથી આ સમસ્યાનો પણ ઉકેલ આવી ગયો છે. 'ડિવાઇસમાં બટન દબાવવામાં આવે તો મોબાઈલમાં હાઈ બઝર સિસ્ટમ પણ રાખવામાં આવી છે. જો મોબાઈલ સાઇલેન્ટ હશે ત્યારે પણ મોબાઈલમાં બઝર વાગશે અને સાથે જ હાઈ એલર્ટ નોટિફિકેશન પણ પહોંચી જશે.' આ સુવિધા ખરેખર મહિલાઓની સુરક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
18 વર્ષના યુવાનનો સંકલ્પ
ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા હરમિત શૈલેષકુમાર ગોધાણીએ આ ડિવાઇસ બનાવવા પાછળની પોતાની પ્રેરણા વિશે ભાવુક થઈને જણાવ્યું, 'વુમન સેફ્ટી અંગે જો જોવા જઈએ તો ખૂબ જ કમી છે. બહુ બધા લોકોને ખબર છે કે કેવી રીતે કંઈ પણ આપણી સાથે થાય, લેડીઝ છે, વર્કિંગ વુમન છે, કોલેજમાં ભણતી યુવતીઓ છે, તેમને ખબર છે પરંતુ એક્શન લઈ નથી શકતા કારણ કે તેમને ભય હોય છે.' તેની આંખોમાં એક સ્પષ્ટ દ્રષ્ટિ અને સમાજ માટે કંઈક કરવાની તમન્ના દેખાઈ રહી હતી. તેણે એક વર્ષની અથાગ મહેનત પછી આ ડિવાઇસ બનાવ્યું છે, અને તેને લોકો સમક્ષ મૂકવાનું કારણ પણ હૃદયદ્રાવક છે.
એક કિસ્સાએ હરમિતને ડિવાઇસ બનવવાની પ્રેરણા આપી
હરમિતે જણાવ્યું કે, 'અમારા પાટીદાર સમાજની એક દીકરી સાથે કિસ્સો બનેલો હતો કે એક યુવક તેનો પીછો કરતો હતો, માનસિક રીતે હેરાન કરતો હતો. ત્યારે જો તેમની પાસે ડિવાઇસ હોત, તો તે તરત જ પરિવારના સભ્ય અને પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટલી ઇન્ફોર્મ કરી શકી હોત. આવી પરિસ્થિતિ ન ઊભી થઈ હોત કે તેને સુસાઈડ કરવું પડ્યું હોત'. આ ઘટનાએ હરમિતને અંદરથી હચમચાવી દીધો અને તેને આ ડિવાઇસ બનાવવા માટે વધુ પ્રેરણા આપી. આવા જેટલી પણ મહિલાઓ પર અત્યાચારના કેસો બને છે તેમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. તેનો 2027 સુધીનો ટાર્ગેટ છે કે આવા પ્રકારની ઘટનાઓમાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાય. આ યુવાનનો સંકલ્પ ખરેખર પ્રશંસનીય છે અને તે ભારતના ભવિષ્યના નિર્માણ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.
1000માં સુરક્ષા કવચ! વ્યાપક પહોંચ અને સરળ ઉપયોગ.
આ ડિવાઇસની કિંમત માત્ર 1000 રાખવામાં આવી છે, જેથી તે દરેક વર્ગની મહિલાઓ માટે સુલભ બની શકે. 'અમે ઇચ્છીએ છીએ કે આ ડિવાઇસ શક્ય તેટલી વધુ મહિલાઓ સુધી પહોંચે, કારણ કે સુરક્ષા કોઈ લક્ઝરી નથી, તે એક જરૂરિયાત છે.' આ એક ઇંચનું ડિવાઇસ બ્લુટુથ દ્વારા મોબાઈલ એપ્લિકેશન સાથે જોડાય છે અને હરમિતે આ માટે ખાસ એપ્લિકેશન પણ બનાવી છે. આ એપ્લિકેશનમાં યુઝર પોતાના 500થી વધુ ઈમરજન્સી કોન્ટેક્ટ ઉમેરી શકે છે અને તેમને સરળતાથી મેનેજ કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે, આ ડિવાઇસની બેટરી ત્યારે જ વપરાય છે જ્યારે બટન દબાવવામાં આવે છે, તેને અઠવાડિયામાં માત્ર એક જ વાર ચાર્જ કરવાની જરૂર પડે છે! આનો અર્થ એ થયો કે મહિલાઓને રોજ-રોજ ડિવાઇસ ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને તે હંમેશા તૈયાર રહેશે.