આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે:ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલ જામશે
રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યારસુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો, જોકે છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આજે એટલે કે 24 જુલાઈએ, રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે, જોકે, આવતીકાલથી વરસાદનું જોર વધવાની શક્યતા છે.
હાલમાં ફરીથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી 25 થી 29 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ફરીથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 25 થી 29 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે કોઈ પણ જિલ્લામાં વરસાદનું કોઈ એલર્ટ જાહેર કરાયું નથી
આજે રાજ્યના કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, આવતીકાલે એટલે કે 25 જુલાઈના રોજ નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.
ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. અત્યારસુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 46% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય કરતાં વધુ છે.