Loading...

રાજકોટમાં આધારકાર્ડમાં છેડછાડનું કૌભાંડ ઝડપાયું:આરોપીઓ પુરાવા વગર ફોટોશોપથી ફેરફાર કરી વેરિફિકેશન કરતા

રાજકોટ શહેરમાં આધાર કાર્ડમાં કોઇપણ દસ્તાવેજો વગર છેડછાડ કરવાનું કૌંભાડ ઝડપાયું છે. રાજકોટના રૈયા રોડ પરથી પોલીસે 6 શખસોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આધાર કાર્ડ માટેના જન સેવા કેન્દ્રમાં કોઇપણ વ્યક્તિના આધારપુરાવા વગર ફોટોશોપની મદદથી ફેરફાર કરીને તેનું વેરિફીકેશન કરાવી આપતા હતા. આ ઉપરાંત તેઓ અરજદારો પાસેથી નામ, સરનામું, મોબાઇલ નંબર સહિતની બાબતોના સુધારા માટે 500થી 700 રૂપિયા વસુલતા હતા. પોલીસે 58 જેટલા ડોક્યુમેન્ટ કબ્જે કરી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચે છ આરોપીઓની ધરપકડ કરી 

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આધાર કાર્ડ કઢાવવા માટેના જરૂરી ઓરિજનલ ડોક્યુમેન્ટમાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી તે બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી નવું આધાર કાર્ડ કાઢી આપનારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે રવિ ધધાણીયા (ઉ.વ.26), હરેશ સાકરીયા (ઉ.વ.44), બીપીન ઉર્ફે વિશાલ ચોવટીયા (ઉ.વ.36), જુગેશ બેસરા (ઉ.વ.32), સાર્થક બોરડ (ઉ.વ.29) તેમજ ધનપાલ બોરીચા (ઉ.વ.28) નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

'પુરાવા વગર આધારકાર્ડમાં સુધારો કરી આપતા હતા' 

ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, જે લોકો પાસે આધાર કાર્ડમાં નામ તેમજ એડ્રેસ બદલાવવા સહિતની બાબતો કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ન હોઈ તેવા વ્યક્તિઓના પાન કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, જન્મના પ્રમાણપત્ર તેમજ સરકારી ગેજેટ સાથે છેડા કરીને તેમને જરૂરી ફેરફાર કરી આધારકાર્ડમાં સુધારો કરી આપતા હતા.

પેન્ટ, આધાર મેજિક સહિતના સોફ્ટવેરના માધ્યમથી એડિટિંગ કરતા 

રાજકોટ ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે BNSની કલમ 336(2), 337, 339, 340, 54, 61(2) સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં સાર્થક અને ધનપાલ દ્વારા જન સુવિધા કેન્દ્ર શરૂ કરવા બાબતે જરૂરી પરમિશન મેળવવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષથી જન સુવિધા કેન્દ્ર રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા બ્રહ્મસમાજ ચોક ખાતે શિવમ ઇન્ફોટેક નામની ઓફિસમાં કાર્યરત હતું. બીપીન અને જુગેશ જે તે અરજદારો પાસેથી તેમના ઓરિજનલ ડોક્યુમેન્ટ મેળવીને સ્કેનરના માધ્યમથી સ્કેન કરી પેન્ટ, આધાર મેજિક સહિતના સોફ્ટવેરના માધ્યમથી જરૂરી માહિતી એડિટિંગ કરતા હતા. તેમજ ત્યાર બાદ એડિટિંગ કરેલા ડોક્યુમેન્ટ્સનો સાચા તરીકે ઉપયોગ કરીને આધાર કાર્ડની સાઈટ ઉપર અપલોડ કરવામાં આવતા હતા. જ્યારે આરોપી રવિ અને હરેશ ગ્રાહકો શોધી લાવવાનું કામકાજ કરતા હતા.

આધાર કેન્દ્રથી 58 બોગસ દસ્તાવેજ પણ કબજે કર્યા

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડીને આધાર કેન્દ્ર ખાતેથી 58 જેટલા બોગસ દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે. આધાર કેન્દ્ર પર પોતાના આધારકાર્ડમાં ચેન્જીસ કરવા માટે રાજકોટ સિવાયના પણ અન્ય જિલ્લાઓમાંથી અરજદારો આવતા હતા. પોલીસે હાલ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે અને આરોપીઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવીને કોઈ વ્યક્તિને આધાર કાર્ડ અપાવતા હતા કે કેમ તે બાબતે હાલ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. તેમજ 6 સિવાય અન્ય કોઈ આરોપીઓ ઝડપાયા છે કે કેમ તે બાબતે પણ હાલ તપાસ ચાલુ છે.

રવિ આધાર કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરતો હતો 

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI શક્તિસિંહ ચુડાસમાએ જણાવ્યા મુજબ શિવમ ઈન્ફોટેક ખાતે આવેલા જન સુવિધા કેન્દ્રમાં જરૂરી બોગસ દસ્તાવેજ તૈયાર કરવામાં આવતા હતા. તેમજ ત્યાર બાદ તે દસ્તાવેજોને નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલી કર્ણાટક બેંકની બ્રાન્ચ ખાતે આધાર કાર્ડ અપડેશનનું કામકાજ સંભાળનારા રવિ ધધાણીયાને મોકલી આપવામાં આવતા હતાં. ત્યાર બાદ રવિ પાસે આધાર કાર્ડ બાબતોના રહેલા રાઇટ્સના માધ્યમથી તે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરતો હતો.


Image Gallery