Loading...

PM મોદીએ ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો:પ્રધાનમંત્રી તરીકે સતત 4078મો દિવસ

નરેન્દ્ર મોદી ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો 4077 દિવસ (24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977)નો રેકોર્ડ તોડ્યો છે. પીએમ મોદીએ શુક્રવારે વડા પ્રધાન તરીકે 4078 દિવસ પૂર્ણ કર્યા.

જવાહરલાલ નહેરુ સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે 15 ઓગસ્ટ 1947 થી 27 મે 1964 સુધી, એટલે કે કુલ 6126 દિવસ સતત આ પદ સંભાળ્યું. પીએમ મોદી નહેરુના રેકોર્ડથી 2048 દિવસ પાછળ છે.

જોકે, પીએમ મોદી સતત ત્રણ લોકસભા ચૂંટણી (2014, 2019, 2024) જીતવાના મામલે નેહરુની બરાબરી કરી ચૂક્યા છે. જો તેઓ 2029ની લોકસભા ચૂંટણી જીત્યા પછી વડા પ્રધાન બને છે, તો સતત વડા પ્રધાન બનવાનો રેકોર્ડ પણ તૂટી શકે છે.

PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા નેતા છે 

મોદી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારબાદ, તેઓ 26 મે 2014થી વડાપ્રધાન બન્યા. આ રીતે, તેઓ રાજ્ય અને કેન્દ્રમાં (24 વર્ષથી વધુ) ચૂંટાયેલી સરકારના વડાનો હવાલો સંભાળનારા પ્રથમ ભારતીય નેતા બન્યા છે.

મોદી સ્વતંત્રતા પછી જન્મેલા પહેલા વડાપ્રધાન છે. તેઓ બે કાર્યકાળ પૂર્ણ કરનારા પહેલા બિન-કોંગ્રેસી PM અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી પણ છે.

સતત 6 ચૂંટણીઓમાં પાર્ટીને વિજય અપાવ્યો 

સમાચાર એજન્સીએ એક સરકારી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે મોદી ભારતમાં એકમાત્ર એવા નેતા છે જેમણે સતત છ ચૂંટણીઓમાં પાર્ટીને વિજય અપાવ્યો છે- 2002, 2007 અને 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને 2014, 2019 અને 2024માં લોકસભાની ચૂંટણીઓ.