સુરત-સૌરાષ્ટ્ર હાઈવે પર શક્તિ ધામ ટ્રાવેલ્સ બસ પલટી:ડ્રાઈવરને ઝોકું આવતાં સર્જાઈ દુર્ઘટના
સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી શક્તિ ધામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ રોજકા અને ધંધુકા વચ્ચેના માર્ગ પર મોડી રાત્રે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.
રાત્રે 3 વાગ્યે બની દુર્ઘટના
પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના રાત્રે આશરે 3 વાગ્યાના સુમારે બની હતી. બસના ચાલકને ઝોકું આવી જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે લક્ઝરી બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી.
મોટી જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો
ઘટનાની જાણ થતાં જ ધોલેરા અને ધંધુકાની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જોકે, કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.