Loading...

રાહુલ ગાંધી આણંદની મુલાકાતે:નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું

લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યાં છે. સવારે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાથી બાય રોડ આણંદ પહોંચ્યા છે. કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26થી 28 જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રાહુલ ગાંધીએ ઉદ્ધાટન કર્યું હતું.

રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન 

રાહુલ ગાંધીએ આણંદના અંધારીયા ચકલા નજીક આવેલ નિજાનંદ રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ ચાર કલાક જેટલો સમય નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે વિતાવી તેમને માર્ગદર્શન આપશે. આ પ્રશિક્ષણ શિબિરમાં સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ, મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ અને આણંદ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે.