Loading...

કારગિલ વિજય દિવસ:PMએ લખ્યું- વીર જવાનોના સાહસને સલામ

કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવા પર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા. તેમની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. રાજનાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવા પર લદ્દાખના દ્રાસમાં આયોજિત કાર્યક્રમમાં બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને સંજય સેઠે ભાગ લીધો હતો. મંત્રીઓએ 1999ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ પદયાત્રા કાઢવામાં આવી હતી. ગયા વર્ષે, 25મા કારગિલ વિજય દિવસ પર, વડાપ્રધાન મોદીએ લદ્દાખમાં યુદ્ધના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

5 મે 1999ના રોજ પાકિસ્તાનના ઘૂસણખોરી પછી, કારગિલના પર્વતીય શિખરો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ લગભગ 84 દિવસ સુધી ચાલ્યું. 26 જુલાઈ 1999ના રોજ ભારતની જીત સાથે આ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો. ભારતીય સૈનિકોના બલિદાન અને બહાદુરીની યાદમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.

રક્ષા મંત્રીએ લખ્યું- ભારત હંમેશા શહીદોનું આભારી રહેશે

કારગિલ વિજય દિવસ પર, હું મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ દેશના સન્માનનું રક્ષણ કરવામાં અસાધારણ હિંમત, ધૈર્ય અને દૃઢ નિશ્ચય દર્શાવનારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. કારગિલ યુદ્ધ દરમિયાન તેમનું સર્વોચ્ચ બલિદાન આપણા સશસ્ત્ર દળોના અતૂટ સંકલ્પની કાયમી યાદ અપાવે છે. ભારત હંમેશા તેમની સેવાનું ઋણી રહેશે.

ભારતે ઓપરેશન વિજય ચલાવીને કારગિલ યુદ્ધ લડ્યું હતું 

કારગિલ યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે પાકિસ્તાની સૈનિકોએ કારગિલની ઊંચી ટેકરીઓ પર ચૂપચાપ કબજો કરી લીધો અને પોતાના છુપાવાનાં સ્થળો બનાવી લીધા. 8 મે 1999ના રોજ, લગભગ 12 પાકિસ્તાની સૈનિકોએ કારગિલની આઝમ પોસ્ટ પર કબજો કરી લીધો.

શરૂઆતમાં આ ઘુસણખોરો દ્વારા હુમલો હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ પછીથી સ્પષ્ટ થયું કે તેમાં પાકિસ્તાની સેનાનો હાથ હતો. આ પાકિસ્તાની સૈનિકોને એક ભારતીય ભરવાડે જોયા હતા. આ ભરવાડે ભારતીય સેનાને પાકિસ્તાની સૈનિકોની ઘૂસણખોરી વિશે માહિતી આપી હતી. આ રીતે, ભારતને પહેલીવાર ઘૂસણખોરી વિશે માહિતી મળી.

શરૂઆતમાં ભારતને લાગતું હતું કે કાશ્મીરની ઘાટી પર ફક્ત થોડા આતંકવાદીઓએ કબજો કર્યો છે, તેથી ભારતે તેમને ખદેડવા માટે થોડા સૈનિકો મોકલ્યા. જ્યારે ભારતીય સેના પર વિવિધ શિખરો પરથી હુમલો કરવામાં આવ્યો, ત્યારે ખબર પડી કે આ એક મોટા ષડયંત્રનો ભાગ હતો.

તરત જ ભારતીય રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે રશિયાની તેમની મુલાકાત રદ કરી. આ પછી ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું. પાકિસ્તાની સૈનિકો ઊંચી ટેકરીઓ પર બેઠા હતા, જેના કારણે ભારતીય સૈનિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

દુશ્મનની નજરથી બચવા માટે ભારતીય સૈનિકોએ રાત્રે મુશ્કેલ ચઢાણ કર્યું. શરૂઆતમાં, આ કારણોસર ભારતીય સેનાને ભારે નુકસાન સહન કરવું પડ્યું.

ભારતે મિગ-29 અને મિરાજ-2000થી હુમલો કર્યો

આ યુદ્ધમાં વાયુસેના અને નૌકાદળે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વાયુસેનાએ મિગ-29 અને મિરાજ-2000 વિમાનોનો ઉપયોગ કરીને પાકિસ્તાની સૈનિકો પર બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાને આપણા બે ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા જ્યારે એક ક્રેશ થયું હતું.

નૌકાદળે ઓપરેશન તલવાર શરૂ કર્યું. આ અંતર્ગત, કરાચી સહિત ઘણા પાકિસ્તાની બંદરોના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી તે કારગિલ યુદ્ધ માટે જરૂરી તેલ અને ઈંધણ પૂરું પાડી ન શકે. આ સાથે, ભારતે અરબ સાગરમાં પોતાના જહાજોનો કાફલો લાવીને પાકિસ્તાનના દરિયાઈ વેપાર માર્ગને પણ બંધ કર્યો હતો.

આ યુદ્ધમાં એક નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે ભારતે યુદ્ધના મેદાનમાં બોફોર્સ તોપોનો ઉતારવાનો નિર્ણય લીધો. આકાશમાંથી વાયુસેનાના હુમલા અને જમીન પરથી બોફોર્સ તોપોના ભારે ગોળાથી પાકિસ્તાની સૈનિકો ભાગવા મજબુર કર્યા હતા.

બંને દેશો વચ્ચે લગભગ 2 મહિના સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં 527 ભારતીય જવાનો શહીદ થયા અને લગભગ 3000 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા. જોકે, પાકિસ્તાનનો દાવો છે કે ફક્ત 357 સૈનિકો માર્યા ગયા. અંતે, 26 જુલાઈ 1999ના રોજ, ભારતે કારગિલના છેલ્લા શિખર પર કબજો કર્યો.