Loading...

હોમગાર્ડની હત્યાના વિરોધમાં શાહપુરમાં વિશાળ મૌન રેલી: 'SAY NO TO DRUNGS'ના પોસ્ટર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં 21 જુલાઈના રોજ રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે. પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ MD ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘી કાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જ્યારે રવિવારે રાત્રે શાહપુરમાં હોમગાર્ડ કિશન શ્રીમાળીની હત્યાના વિરોધમાં અને ડ્રગ્સના દૂષણ સામે જનજાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ મૃતક કિશનભાઈના પરિવારજનો જોડાયા હતા.

ડ્રગ્સનો વિરોધ કિશનના મોતનું કારણ ગત સોમવારે રાત્રિના લગભગ 10 વાગ્યાની આસપાસ દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી સાથે બદરુદ્દીન અને તેની પત્ની નીલમ પ્રજાપતિએ ઝઘડો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બદરુદ્દીને પોતાની પત્નીને જોવાની વાતને લઈને કિશન પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કિશનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું દુઃખદ અવસાન થયું હતું.

'કિશનભાઈ ડ્રગ્સ માફિયાઓ સામે અવાજ ઉઠાવતા હતા' શાહપુરના લોકોનું કહેવું છે કે, કિશનભાઈ ડ્રગ્સ માફિયાઓ સામે અવાજ ઉઠાવતા હતા, જેના કારણે તેમની ઘાતક હત્યા કરવામાં આવી. કિશનભાઈના ભાઈ અવિનાશ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, "અમારા ભાઈ અવિનાશ કિશનભાઈની આત્માને શાંતિ મળે અને તેમને ન્યાય મળી રહે તે માટે અમે આ મૌન રેલી યોજી છે. એમડી ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે, તેને મારા ભાઈએ અવારનવાર રોક્યો હતો, અને તેના જ લીધે તેની હત્યા કરવામાં આવી છે."

ડ્રગ્સ વિરોધી નારા અને મૌન પાળી શ્રદ્ધાંજલિ રાત્રે શાહપુરના દિલ્હી ચકલા ભોઈવાડા વિસ્તારથી શરૂ થયેલી આ મૌન રેલીમાં લોકોએ પોતાના ફોનની ફ્લેશ લાઈટ ચાલુ રાખી હતી. રેલીમાં "Say No To Drugs", "ડ્રગ્સ માફિયા બેફામ", "ફ્રી અમદાવાદ", અને "MD ડ્રગ્સ Say No To Drugs" જેવા પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ રેલી શાહપુર મેટ્રો સ્ટેશન પાસે પહોંચી ત્યારે સૌ લોકોએ 2 મિનિટ માટે મૌન ધારણ કરીને કિશનભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સૌ લોકોએ "શ્રી રામ જય રામ જય જય રામ"ની ધૂન ગાઈ હતી.

પરિવારજનો અને સંગઠનોની માગ વિશ્વ હિન્દુ પરિષદમાં જવાબદારી નિભાવનાર હિમાંશુ મકવાણાએ જણાવ્યું હતું કે, "જ્યારે અમને ખ્યાલ પડ્યો કે કિશનભાઈ કોઈ ગેરકાનૂની ડ્રગ્સ વેચનારની સામે લડવાવાળા હતા અને તેમની હત્યા કરવામાં આવી, ત્યારે અમે સમગ્ર કર્ણાવતી, ગુજરાત અને ભારત દેશ માટે એક સંદેશ મોકલવા માગીએ છીએ કે જો આ જનમેદની કિશનભાઈ માટે ભેગી થઈ શકતી હોય, તો આ ડ્રગ્સ માફિયાઓ માટે હરહંમેશ આવી જ જનમેદની અમે લઈને આવીશું, અને આગામી પણ આવા કાર્યક્રમો કરતા રહીશું."