Loading...

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં શ્રીકાર વરસાદ:ખેડાના નડિયાદમાં 11 ઈંચ વરસાદ; આજે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ

રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યારસુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, અને ટ્રફ લાઈન પણ પસાર થઈ રહી છે. એ સિવાય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થવાથી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન, ઉપરવાસમાંથી ભારે વરસાદથી પાણીની આવક વધતા ધરોઈ ડેમના દરવાજા ખોલવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ છે. ત્યારે વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને ફરજિયાત હેડલાઈટ ચાલુ કરવી પડી રહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં ખેડાના નડિયાદમાં 11 ઈંચ, અમદાવાદના દસ્ક્રોઈમાં 10 ઈંચ, ખેડાના મહેમદાવાદ 9 ઈંચ અને માતરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સમગ્ર ખેડા જિલ્લામાં 3 ઈંચ લઈને 11 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.

આજે આ જિલ્લામાં રેડ-ઓરેન્જ એલર્ટ આજે એટલે કે 28 જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

નર્મદા ડેમમાં પાણીની આવક વધશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે 2.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, જે 32 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે.

હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. 2.62 લાખ ક્યુસેક પાણી આવવાથી ડેમની સપાટીમાં દોઢથી બે મીટરનો વધારો થશે, જેનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં. હાલ પાણીની આવક 76,200 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 33 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે.

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા હજુ એક મહિના લાગશે. નર્મદા નિગમના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને 60% જેટલો ભરેલો રાખવામાં આવી રહ્યો છે, જેથી પૂર જેવી સ્થિતિમાં કાંઠાના ગામોને સુરક્ષિત રાખી શકાય.


Image Gallery