Loading...

રાઘવ ચઢ્ઢાને મળ્યો વડાપ્રધાન બનવાનો મંત્ર!:કપિલના શોમાં કહ્યું- પરિણીતી જે બોલે એનું ઊલટું થાય છે

'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના આગામી એપિસોડમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા જોવા મળશે. શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. શોમાં રાઘવ અને પરિણીતી તેમની પહેલી મુલાકાત અને સંબંધો વિશે ખુલીને વાત કરતા જોવા મળે છે. ઉપરાંત, પ્રોમોમાં બંને રિંગ શોધવાની વિધિ પણ કરતા જોવા મળ્યા હતા.

એપિસોડ દરમિયાન, રાઘવ-પરિણીતી તેમની પહેલી મુલાકાતની સ્ટોરી કહે છે. બંને પહેલી વાર લંડનમાં મળ્યા હતા. આ અંગે રાઘવ કહે છે કે- પરીએ તેનું લેપટોપ કાઢ્યું અને ગૂગલ પર રાઘવ ચઢ્ઢાની હાઈટ સર્ચ કરી. પછી તે ઊભી થઈને કહે છે કે હું ઊંચી છું, યાર. રાઘવ અહીં અટકતો નથી અને પછી તે મજાકમાં કહે છે- 'તે જે કંઈ કહે છે, તેનાથી ઊલટું થાય છે. તેણે કહ્યું- હું ક્યારેય રાજકારણી સાથે લગ્ન નહીં કરું અને એક નેતા સાથે લગ્ન કરી લીધા છે. હવે હું તેને દરરોજ સવારે જગાડીને બોલાવવું છું અને કહું છું કે- તું એવું બોલ કે રાઘવ ચઢ્ઢા ક્યારેય ભારતના વડાપ્રધાન નહીં બને.' રાઘવના શબ્દો સાંભળીને સેટ પર હાજર બધા હસવા લાગે છે.

આ પહેલાં 18 જુલાઈના રોજ પરિણીતી અને રાઘવ ચઢ્ઢા કપિલ શર્માના 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના શૂટિંગ માટે પહોંચ્યા હતા. પરંતુ શો દરમિયાન રાઘવ ચઢ્ઢાની માતાની તબિયત બગડી ગઈ, જેના કારણે તેમને શૂટિંગ દરમિયાન જ હોસ્પિટલમાં લઈ જવી પડી. શોનું શૂટિંગ અધવચ્ચે જ રદ કરવામાં આવ્યું.

પરિણીતી અને રાઘવે વર્ષ 2023માં રાજસ્થાનના ઉદયપુરમાં લીલા પેલેસ ખાતે એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકારણના ઘણા જાણીતા નામો હાજર રહ્યા હતા.