પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મૂસા ઠાર:શ્રીનગરમાં સેનાના 'ઓપરેશન મહાદેવ'માં 3 પાકિસ્તાની આતંકી માર્યા ગયા
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લિડવાસમાં સોમવારે સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યા હતા. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સેનાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી 'ઓપરેશન મહાદેવ' હેઠળ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી હાશિમ મૂસા પણ સામેલ છે, જોકે સેનાએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આતંકવાદીઓ પાસેથી અમેરિકન બનાવટના M4 કાર્બાઇન, AK-47, 17 રાઇફલ ગ્રેનેડ મળ્યાં છે. આ ઉપરાંત ઘણી અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે. 'ઓપરેશન મહાદેવ' અંગેની માહિતી આજે સાંજ સુધીમાં મીડિયાને આપવામાં આવશે.
ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી બાદ સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દૂરથી બેવાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો. વિસ્તારમાં સુરક્ષા દળોની તહેનાતી વધારી દેવામાં આવી છે. હરવાન વિસ્તારમાં દાચીગામ નેશનલ પાર્ક પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.