ભાગવત કૃષ્ણધામ મંદિરે હિંડોળા દર્શન માટે ભક્તો ઉમટ્યા
સોલા ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ મંદિરમાં હિંડોળા ઉત્સવની ધામધૂમથી શરૂઆત થઈ છે. મંદિરમાં પ્રવેશ કરતાં જ ભક્તોને અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે. ૧૨ જુલાઈથી ૧૧ ઓગષ્ટ સુધી દરરોજ સાંજે રસરાજ પ્રભુને વિવિધ પ્રકારના હિંડોળા મનોરથમાં ઝુલાવવામાં આવશે.
શ્રી રસરાજ પ્રભુને કમળતલાઇમાં કાચના હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ દિવ્ય દર્શનનો લાભ લેવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
મંદિરમાં કર્ણપ્રિય સંગીત સાથે ઉતારવામાં આવતી દિવ્ય આરતીનો લાભ લેવા પણ ભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે. હિંડોળા ઉત્સવ દરમિયાન દરરોજ અલગ-અલગ પ્રકારના હિંડોળામાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે, જે ભક્તો માટે આધ્યાત્મિક આનંદનો અવસર બની રહે છે.