Loading...

ડ્રગ્સ પેડલરનો કમાણીનો નવો કિમીયો:2 રૂપિયાનો ENO ભેળવી MD ડ્રગ્સ વેચતો

રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. યુવાનોમાં વધતા જતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે શહેર SOG પોલીસે છેલ્લા એક વર્ષથી પેડલર બનેલા કાનો ટિકિટ સહિત બે આરોપીને ઝડપી પાડી રાજકોટના ઇતિહાસનું સૌથી વધુ 303 ગ્રામ જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં આરોપી દ્વારા વધુ રૂપિયા કમાવવાની લાલચમાં MD ડ્રગ્સમાં ભેળસેળ પણ કરતો હોવાનું સામે આવ્યું છે.

ભેળસેળવાળા ડ્રગ્સના 1800 તો ઓરિજિનલનો 5 હજાર સુધીનો ભાવ 

આરોપી ડ્રગ્સમાં ENO પાવડર તેમજ સફેદ કલરની દવાનો ભૂકો મિક્સ કરી ભેળસેળવાળું ડ્રગ્સ એક ગ્રામ રૂપિયા 1800 તેમજ ઓરિજિનલ ડ્રગ્સ 3000થી લઇ 5000 સુધીની કિંમતમાં વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ SOGએ રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે, જેમાં આરોપીઓ રાજસ્થાનથી જથ્થો કોની પાસેથી લાવવામાં આવતો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ ભાડેથી દુકાન રાખી કામગીરી કરતા હતા 

રાજકોટ શહેર DCP ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવાનોમાં વધતા જતા નશાના કાળા કારોબારને અટકાવવા માટે સઘન તપાસ શરૂ કરી હતી. શહેર SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, નામચીન આરોપી કાનો ટિકિટ કે જે અગાઉ મારામારી, પ્રોહિબિશન અને હત્યાની કોશિશ જેવા કેસમાં સંડોવાયેલ છે. જ્યારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકાની સામે ભક્તિનગર તેમજ ડીસીબી પોલીસમાં મળી ત્રણ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે તે મજ એકવાર પાસામાં પણ ધકેલાઈ ચુક્યો છે. આરોપીઓએ ભાડેથી દુકાન રાખી આ કામગીરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તે MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. આ આરોપી પકડી પાડવા માટે છેલ્લા સાત મહિનાથી શહેર SOG ટીમ કાર્યરત હતી અને આજે તેમાં સફળતા મળી છે.

303 ગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો 

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા ગુલમ્હોર પ્લાઝા નામના એપાર્ટમેન્ટની શોપ નંબર-106માં MD ડ્રગ્સનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો, તેને શહેરમાં વહેંચવાની પેરવી ચાલી રહી છે, એવી બાતમી મળી હતી જેના આધારે ટ્રેપ ગોઠવી કુખ્યાત આરોપી રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને તેની સાથે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડીની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી 303 ગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. FSL તપાસમાં આ જથ્થો મેફેડ્રોન હોવાનું સામે આવ્યું છે.

રાજસ્થાનથી એક ગ્રામ જથ્થો 1 હજારમાં લાવતો હતો 

પોલીસ તપાસમાં આરોપી રણજીત ઉર્ફે કાનો ટિકિટ વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ, મારામારી, પ્રોહિબિશન સહિત 9 ગુના અને પાસા હેઠળ 6 વખત ધકેલાય ચુક્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે છેલ્લા એકાદ વર્ષથી પેડલર બની MD ડ્રગ્સ વેચતો હોવાનું સામે આવ્યું છે, જે પોતે એક ગ્રામ જથ્થો 1000 રૂપિયામાં રાજસ્થાનથી લાવતો હતો.