Loading...

છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘરાજાની સટાસટી:ઉમરપાડામાં પોણાપાંચ ઇંચ

રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રીય થતાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યારે રાજ્યમાં ટ્રફલાઇન પસાર થતી હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે.

છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ 

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 145 તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પોણા પાંચ ઇંચ, છોટાઉદેપુર શહેરમાં સવાત્રણ ઇંચ, બોડેલીમાં ત્રણ ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઇંચ, છોટા ઉદેપુરના પાવી જેતપુર અને તાપીના સોનગઢમાં સવા બે ઇંચ, દાહોદના ગરબાડા અને તાપીના ડોલવણમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

સંત સરોવરમાં પાણીની આવક વધી 

સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ હાલમાં 83.55 ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી પાણીની આવક સતત થઈ રહી છે ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી સ્થિતિમાં ગાંધીનગર સ્થિત સંત સરોવર વિયરનું રૂટ લેવલ જળવાઈ રહે તે માટે સોમવારે સવારે 2 ફૂટ સુધી 4 ગેટ ખોલીને નદીમાં 10493 ક્યૂસેક પાણી છોડાયું હતું. જ્યારે બપોરે 4 કલાક પછી 1 ગેટ બંધ કરીને 3 ગેટ ખુલ્લા રાખી પ્રતિ કલાક 7590 ક્યૂસેક પાણી છોડાયું છે. સંત સરોવર વિયરમાં પાણીની સતત આવકને પગલે 20 દિવસથી દરવાજો ખુલ્લો જ રખાયો છે.

આ વર્ષે સારા વરસાદને પગલે ધરોઈ ડેમ જુલાઈમાં 83.55 ટકાથી વધુ ભરાયો છે. આથી હાલમાં ડેમમાં પાણીનો સંગ્રહ 617 ફૂટ થયો છે. ધરોઈ ડેમનું રૂટ લેવલ 618 ફૂટ વચ્ચે હાલમાં પ્રતિ કલાક 1146 ક્યુસેક પાણીની આવક ચાલુ હોવાથી આગામી સમયમાં ગમે ત્યારે ધરોઈના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. ધરોઇમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તો હાલમાં સાબરમતી બે કાંઠે હોવાથી પાણીનો ફ્લો સંતસરોવર વીયરમાં વધી જવાની શક્યતા રહેલી છે ત્યારે સંત સરોવર વીયરનું રૂટ લેવલ જાળવવા અને એક સાથે પાણી છોડવાથી અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની શક્યતા રહેલી છે.

નર્મદા ડેમમાં પાણીની આવક વધશે 

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે 2.62 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, જે 32 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે.

હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. 2.62 લાખ ક્યૂસેક પાણી આવવાથી ડેમની સપાટીમાં દોઢથી બે મીટરનો વધારો થશે, જેનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં. હાલ પાણીની આવક 76,200 ક્યૂસેક છે. છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 33 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે.

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતાં હજુ એક મહિના લાગશે. નર્મદા નિગમના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને 60% જેટલો ભરેલો રાખવામાં આવી રહ્યો છે, જેથી પૂર જેવી સ્થિતિમાં કાંઠાના ગામોને સુરક્ષિત રાખી શકાય.

રાજ્યમાં સોમવારે 132થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો 

રાજ્યમાં સોમવારે 132થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પોણા પાંચ ઇંચ, છોટા ઉદેપુરમાં સવા ત્રણ ઇંચ, બોડેલીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ 30 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.