ગુજરાત માથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય:આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ નથી, માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. હાલ રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે – એક લો-પ્રેશર સિસ્ટમ, એક ટ્રફ અને મોન્સૂન ટ્રફ.
આજે રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી, પરંતુ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગ અનુસાર,સોમવારથી ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ ઉપરાંત, ટ્રફ હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફ ફેલાયેલો છે. ત્રીજી સિસ્ટમ તરીકે, એક સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો, ઝારખંડ અને નજીકના ઉત્તર છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટર ઉપર ઓછા દબાણવાળા વિસ્તાર સાથે સંકળાયેલું છે. આ ત્રણેય સિસ્ટમ એક સાથે સક્રિય થતા રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે.
છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 145 તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પોણા પાંચઇંચ, છોટાઉદેપુર શહેરમાં સવાત્રણ ઇંચ, બોડેલીમાં ત્રણ ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઇંચ, છોટાઉદેપુરના પાવી જેતપુર અને તાપીના સોનગઢમાં સવાબે ઇંચ, દાહોદના ગરબાડા અને તાપીના ડોલવણમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
સંત સરોવરમાં પાણીની આવક વધી
સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ હાલમાં 83.55 ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી પાણીની આવક સતત થઈ રહી છે ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે એવી સ્થિતિમાં ગાંધીનગર સ્થિત સંત સરોવર વિયરનું રૂટ લેવલ જળવાઈ રહે એ માટે સોમવારે સવારે 2 ફૂટ સુધી 4 ગેટ ખોલીને નદીમાં 10493 ક્યૂસેક પાણી છોડાયું હતું. જ્યારે બપોરે 4 કલાક પછી 1 ગેટ બંધ કરીને 3 ગેટ ખુલ્લા રાખી પ્રતિ કલાક 7590 ક્યૂસેક પાણી છોડાયું છે. સંત સરોવર વિયરમાં પાણીની સતત આવકને પગલે 20 દિવસથી દરવાજો ખુલ્લો જ રખાયો છે.
આ વર્ષે સારા વરસાદને પગલે ધરોઈ ડેમ જુલાઈમાં 83.55 ટકાથી વધુ ભરાયો છે, આથી હાલમાં ડેમમાં પાણીનો સંગ્રહ 617 ફૂટ થયો છે. ધરોઈ ડેમનું રૂટ લેવલ 618 ફૂટ વચ્ચે હાલમાં પ્રતિ કલાક 1146 ક્યૂસેક પાણીની આવક ચાલુ હોવાથી આગામી સમયમાં ગમે ત્યારે ધરોઈના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. ધરોઇમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તો હાલમાં સાબરમતી બે કાંઠે હોવાથી પાણીનો ફ્લો સંત સરોવર વિયરમાં વધી જવાની શક્યતા રહેલી છે ત્યારે સંત સરોવર વિયરનું રૂટ લેવલ જાળવવા અને એકસાથે પાણી છોડવાથી અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની શક્યતા રહેલી છે.
નર્મદા ડેમમાં પાણીની આવક વધશે
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે 2.62 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, જે 32 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે.
હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. 2.62 લાખ ક્યૂસેક પાણી આવવાથી ડેમની સપાટીમાં દોઢથી બે મીટરનો વધારો થશે, જેનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં. હાલ પાણીની આવક 76,200 ક્યૂસેક છે. છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 33 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે.
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતાં હજુ એક મહિના લાગશે. નર્મદા નિગમના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને 60% જેટલો ભરેલો રાખવામાં આવી રહ્યો છે, જેથી પૂર જેવી સ્થિતિમાં કાંઠાનાં ગામોને સુરક્ષિત રાખી શકાય.