કાશ્મીરની સુરક્ષાની જવાબદારી અમને આપવી જોઈએ
જમ્મુ કાશ્મીરની સુરક્ષાની જવાબદારી જમ્મુ કાશ્મીર સરકારને સોંપી દેવાની મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ માગ કરી છે. ઓમર અબ્દુલ્લા ગુજરાત પ્રવાસે આવ્યા છે. બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ ઓમર અબ્દુલ્લાએ આજે ગાંધીનગરમાં યોજાયેલા ટ્રાવેલ એક્સ્પોમાં હાજરી આપી હતી. 31 જુલાઈએ સાંજે અમદાવાદની હયાત હોટલમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈ યોજેલી બેઠકમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગેરહાજરીને લઈ સવાલ કર્યો હતો. જેના જવાબમાં તેઓએ સુરક્ષાની જવાબદારી જમ્મુ કાશ્મીરની સરકારને સોંપવાની વાત કરી હતી.
ઓમર અબ્દુલ્લા તેની ગુજરાત મુલાકાત દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર રનિંગ કરતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જે ફોટો સાથે ટ્વિવટ કરી પીએમ મોદીએ આનંદ વ્યકત કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરને રાજ્ય બનાવવાનો કરાયેલો વાયદો પૂર્ણ કરવામાં આવે- ઓમર અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, 'અમે એક યુનિયન ટેરીટેરી છીએ, અને તે જ અમારી સહનશક્તિની બહાર છે. સંઘ પ્રદેશનો દરજ્જો અમને આપવાની જરૂર નહોતી.આ દેશમાં માત્ર અમે જ કમનસીબ લોકો છીએ. જેમને રાજ્યમાંથી હટાવીને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાવવામાં આવ્યો છે. બાકી બીજી જગ્યાએ કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્ય બનાવવામાં આવી રહ્યા છે. અમે એ જ આશાએ બેઠા છીએ કે, જમ્મુ કાશ્મીરને ફરીથી જે રાજ્ય બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે તે પૂર્ણ થાય.
'હું સુરક્ષાની બેઠકમાં ભાગ નથી લેતો, કારણ કે તે LG સાહેબની અંદર આવે છે'
સુરક્ષાની બેઠકોમાં ભાગ લેતા ન હોવા અંગે જ્યારે સવાલ કર્યો ત્યારે ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યાં સુધી સિક્યુરિટી બેઠકની વાત છે તો હું સિક્યુરિટી બેઠકમાં ભાગ નથી લેતો. કારણ કે,એલજી સાહેબની અંદરમાં આવે છે પોલીસ અને સુરક્ષાનો મુદ્દો તેમના હેઠળ છે.પરંતુ હું તમામ વસ્તુની જાણકારી રાખું છું સિક્યુરિટી ક્યાં છે, શું કામ કરી રહી છે. તેનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે. બાદ સાવચેતીપૂર્ણ રીતે અમે એક એક ફરવાના સ્થળોને ખોલી રહ્યા છીએ.
સુરક્ષાની જવાબદારી અમને આપવી જોઈએ- ઓમર અબ્દુલ્લા
વધુમાં તેઓએ કહ્યું કે,કાશ્મીરને લઈને બધી જવાબદારી અમારી હોવી જોઈએ. હું તો પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે, સુરક્ષાની જવાબદારી કાશ્મીરમાં અમને આપવી જોઈએ. લોકોએ અમને ચૂંટણી જીતાડીને મોકલ્યા છે બાકી બધી જવાબદારી અમને આપી છે. શાસન અમને આપ્યું છે તો પછી સુરક્ષા પણ આપી દો.અમે નાલાયક લોકો થોડા છીએ અથવા અમારે કંઈ કરવું નથી એવું થોડુ છે. મેં અગાઉ પણ છ વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે તમે જોઈ શકો છો એ સમયે દરેક સ્તરની સુરક્ષાચૂકમાં ઘટાડો આવ્યો છે. તે સમય દરમિયાન આતંકવાદી હુમલાઓમાં પણ ઘટાડો થયો હતો. સિક્યુરિટી ફોર્સની કેઝ્યુઅલિટીમાં પણ ઘટાડો આવ્યો હતો.અમને હજી ફરી એકવાર મોકો આપવામાં આવે અમે આનાથી સારું કાશ્મીર સુરક્ષિત બનાવીને બતાવીશું.