છરાથી એક પછી એક 26 ફોર-વ્હીલનાં ટાયર ફાડ્યાં, CCTV:અમદાવાદના ત્રણ વિસ્તારમાં બાઇક પર આવેલા શખસોએ આતંક મચાવ્યો
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડી વિસ્તારમાં 30 જુલાઈની મોડીરાત્રે એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં બાઈક પર આવેલા અજાણ્યા શખસોએ 26 જેટલી પાર્ક ફોર-વ્હીલનાં ટાયર છરા વડે ફાડી નાખ્યાં હતાં. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે, જેમાં જોઈ શકાય છે કે બાઈકમાં આવેલો શખસ એક પછી એક કારના ટાયરમાં હથિયાર મારી રહ્યો છે. આ ઘટનાના 24 કલાક બાદ પણ હજુ પોલીસે આરોપી સુધી પહોંચી શકી નથી.
ઘટનાને પગલે લોકોમાં રોષની સાથે ભયનો માહોલ મળતી માહિતી મુજબ, 30 જુલાઈની મોડીરાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ બે બાઇકસવારોએ આ કૃત્યને અંજામ આપ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. બેફામ બનેલાં આવારા તત્ત્વો દ્વારા ટોયોટા, બ્રેઝા, ક્રેટા, સેન્ટ્રો, સ્વિફ્ટ, કીઆ જેવી અનેક ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટના અંગે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી, જેમાં સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે શહેરમાં અસામાજિક તત્ત્વોનો વધતો આતંક ચિંતાનો વિષય છે. તેમણે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શખસ ખુલ્લા શર્ટમાં અને મોઢું ઢાંકેલી હાલતમાં હતોઃ નીતિન પ્રસાદ ઘટના અંગે માહિતી આપતાં સ્થાનિક નીતિન પ્રસાદે જણાવ્યું હતું કે અમે સીસીટીવી કેમેરામાં જોયું હતું કે રાત્રે 12:45થી 1:00 વાગ્યાની વચ્ચે શર્ટ ખોલીને અને મોઢું ઢાંકેલી હાલતમાં એક વ્યક્તિ છરા વડે લગભગ 26 ગાડીનાં આગળ, પાછળ અને એક સાઈડનાં ટાયરને છરા મારીને જતી રહી છે. તેની પાછળ અન્ય બે બાઇકવાળી વ્યક્તિઓ પણ હતી, જેઓ સાઈડમાં ઊભી હતી. ત્યાર બાદ તેઓ માણેકબાગથી તુલિપ બંગલો તરફ વળ્યા હતા.