Loading...

કચ્છના નાના એવા કોટાય ગામમાં આમિર ખાન પહોંચ્યો:'સિતારે જમીન પર' ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી

આમિર ખાને તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને તરત જ યુટ્યૂબ મૂવીઝ-ઓન-ડિમાન્ડ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. એના માટે તે કચ્છ પહોંચ્યો છે. ભુજ એરપોર્ટ આગમન થયા બાદ તે સીધો જ માધાપર ગામ પહોંચ્યો હતો અને બે દાયકા જૂના મિત્ર ધનાભાઈ ચાડ સાથે મુલાકાત કરી હતી. એ બાદ તે ધનાભાઈ ચાડ અને તેમનાં પરિવારજનો સાથે કોટાય ગામ પહોંચ્યો હતો. કચ્છ અને આમિર ખાનને જૂનો સંબંધ છે. લગાન ફિલ્મનું કચ્છમાં શૂટિંગ કર્યા બાદ આમિર ખાન કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે. કોટાયની શાળામાંથી 'સિતારે જમીન પર' ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી.

લગાન ફિલ્મ સમયની યાદો તાજી અભિનેતા આમિર ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે ભુજના અંતરિયાળ કોટાય ગામે આવી પહોંચતાં ગ્રામજનોએ તાળીઓના નાદ સાથે ઉમંગભેર આવકાર આપ્યો હતો. અભિનેતાએ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત બાળકો અને ગ્રામીણ લોકોનો અભૂતપૂર્વ પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની લગાન ફિલ્મ સમયની યાદો તાજી થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે આ સમયે તેણે હાજર તમામ બાળકો તો એ સમયે જન્મ્યા પણ ના હોવાની રમૂજ કરી સૌને ખળખળાટ હસાવી મૂક્યા હતા.

બાળકો સાથે જમીન પર જ બેસી ફિલ્મને સ્ક્રીન પર નિહાળી આમિર ખાને વર્ષો જૂના ફિલ્મ શૂટિંગમાં સહયોગ આપનાર કોટાય ગામના વડીલોને ગળે મળી ખુશી જાહેર કરી હતી. સૌને આ ફિલ્મ યુટ્યૂબ પર આજે જોવા નમ્ર અપીલ પણ કરી હતી. ત્યાર બાદ બાળકો સાથે જમીન પર જ બેસી ફિલ્મને સ્ક્રીન પર નિહાળી હતી.
બે વર્ષ પહેલાં પણ આમિર ખાન કોટાય ગામ આવ્યા હતા બે વર્ષ પહેલાં આમિર ખાન કચ્છના આ જ કોટાય ગામમાં આવ્યા હતા. લગાન ફિલ્મના શૂટિંગ સમયે મહત્ત્વના સહયોગી રહેલા ધનાભાઈ ચાડના પુત્ર અને યુવા ઉદ્યોગપતિ મહાવીર ચાડનું આકસ્મિક અવસાન થયું હતું, જેથી તેમના પરિવારને દુઃખમાં સાંત્વના આપવા માટે જે-તે સમયે તેઓ ખાસ મુંબઈથી કચ્છ આવ્યાં હતા. હવે બે વર્ષ બાદ આજે ફરી કોટાય ગામ પહોંચ્યા છે.
'સિતારે જમીન પર' ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી આમિર ખાન આજે ભુજથી 35 કિમી દૂર કોટાય ગામની શાળામાં 'સિતારે જમીન પર' ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી. આ ફિલ્મ થિયેટરમાં બ્લોકબસ્ટર સફળતા મેળવ્યા બાદ હવે યુટ્યૂબના મૂવી-ઓન-ડિમાન્ડ સેક્શનમાં રજૂ થઈ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર નહીં, પરંતુ માત્ર યુટ્યૂબ પર જ ઉપલબ્ધ થશે.
39 દેશમાં મુખ્ય ભાષામાં સબટાઇટલ-ડબિંગ સાથે રિલીઝ થશે આમિર ખાને આજે જાહેરાત કરી કે 'સિતારે ઝમીન પર 1 ઓગસ્ટ 2025થી વિશ્વભરમાં યુટ્યૂબ પર રિલીઝ થશે. 'આ ફિલ્મ ભારતમાં 100 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે તે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર અને સ્પેન સહિત 38 દેશોમાં સ્થાનિક કિંમતે ઉપલબ્ધ થશે.

.

Image Gallery