ઇંગ્લિશ ટીમની T20 સ્ટાઇલમાં બેટિંગ:ભારતીય બોલર્સને શરૂઆતથી જ ધોઈ નાખ્યા
ઓવલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી પહેલી ઇનિંગમાં ઝેક ક્રોલી અને કેપ્ટન ઓલી પોપ ક્રિઝ પર છે. ઝેક ક્રોલીએ ફિફ્ટી પૂરી કરી લીધી છે.
બેન ડકેટ 43 રન બનાવીને આઉટ થયો હતો. તે આકાશ દીપની બોલિંગમાં વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ થયો. આકાશ દીપે 92 રનની ઓપનિંગ ભાગીદારી તોડી.
ટીમ ઈન્ડિયાએ શુક્રવારે મેચના બીજા દિવસે 204/6 ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું અને 17 બોલમાં જ છેલ્લી 4 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમને 66.5 ઓવરમાં સાતમો ઝટકો લાગ્યો હતો. ટીમ 69.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પહેલા દિવસે અણનમ પરત ફરેલા કરુણ નાયરે 57 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર 26 રન બનાવીને આઉટ થયો હતો. બંનેના આઉટ થયા પછી, ટીમને ઓલઆઉટ થવામાં વધુ સમય લાગ્યો ન હતો. અગાઉ, સાઈ સુદર્શને 38 અને કેપ્ટન શુભમન ગિલે 21 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સને 5 વિકેટ લીધી હતી. જોશ ટંગે 3 વિકેટ મેળવી હતી. ક્રિસ વોક્સના ખાતામાં એક વિકેટ આવી હતી. ગુરુવારે મેચના પ્રથમ દિવસે, ઇંગ્લેન્ડના સ્ટેન્ડ-ઇન કેપ્ટન ઓલી પોપે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.