Loading...

અમદાવાદના આ 105 જંક્શનેથી નીકળતા સાવધાન, તમે CCTVમાં કેદ થશો

અમદાવાદ શહેરનાં વધતાં વિસ્તાર અને વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા સેફ એન્ડ સિક્યોર (SASA) પ્રોજેક્ટ અંતર્ગત શહેરના મુખ્ય ચાર રસ્તાઓ અને અન્ય જગ્યાઓ મળી કુલ 105 જંકશન પર નવા સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી 16 જંકશન પર કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. વાસણા APMC અને CN વિદ્યાલય પાસે આવેલા વાઘબકરી જંકશન પર નવા લગાવેલા કેમેરા ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ 16 જંકશનની કામગીરી આગામી 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

કોમર્સ છ રસ્તા ખાતે CCTV ઇન્સ્ટોલેશનની કામગીરીનું નિરીક્ષણ કરાયું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 100થી વધુ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. કોમર્સ છ રસ્તા ખાતે સીસીટીવી પોલ પર કેમેરા ઇન્સ્ટોલેશનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. AI આધારિત સોફ્ટવેર મારફતે મ્યુનિ. સેવાઓને લગતાં વિવિધ કેસો જેવાં કે રસ્તાં પરનાં ખાડા, દબાણો, વરસાદી પાણીનો ભરાવો, તૂટેલી ફૂટપાથ વગેરે જેવી બાબતો ઓટોમેટીક આઇડેન્ટીફાઇ કરીને તેનું પ્રિવેન્ટિવ નિવારણ લાવી શકાય તે મુજબની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી રહી છે.

અગાઉ AMCનાં હદ વિસ્તારમાં 6000 CCTV ઇન્સ્ટોલ કરાયા હતા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા વર્ષ 2018માં સેફ એન્ડ સિક્યોર અમદાવાદ (SASA) પ્રોજેક્ટ હેઠળ જે-તે સમયનાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હદ વિસ્તારમાં 6000થી વધુ CCTV કેમેરા જે-તે સમયની પોલીસ વિભાગ તથા AMCના વિભાગોની જરૂરિયાત મુજબ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. જે સીસીટીવી કેમેરા મારફતે સુરક્ષા હેતુસર સર્વેલન્સ ઉપરાંત AI આધારિત સોફ્ટવેર માધ્યમથી સિગ્નલ ભંગ, હેલ્મેટ વિના વાહન ચલાવવું, ત્રિપલ રાઇડીંગ વગેરે વિવિધ પ્રકારનાં ટ્રાફિક ભંગ માટે ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.