સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી
અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ માટે રાજકોટની શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલરી ખાતે તેમની અનદેખી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેને નિહાળવા માટે આજે સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ, પુત્રવધૂ પહોંચ્યાં હતાં. અહીં વિજયભાઈની હસ્તી અને અલગ અંદાજ સાથેની તસવીરોને જોઈને પરિવારજનોનું હૈયું ભરાઈ ગયું હતું, જેમાં પુત્રવધૂ રડી પડી હતી. તો સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આ તસવીરો નિહાળી તેમના વ્યક્તિત્વને યાદ કરી સ્વ.વિજયભાઈના અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટેનું તસવીર પ્રદર્શન હોવાનું જણાવ્યું હતું.
દરેક તસવીરની નીચે એક લાઇનમાં ટેગલાઇન
રાજકોટના સિનિયર ફોટો-જર્નલિસ્ટ દેવેન અમરેલિયા દ્વારા વર્ષ 2004થી 2025 દરમિયાન સ્વ. વિજયભાઈના જીવનની જાણી-અજાણી, ચિત-પરિચિત, સુલભ-દુર્લભ ક્ષણોની અવિસ્મરણીય તસવીરો પોતાના કેમેરામાં કંડારવામાં આવી હતી, જે પૈકી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ દરેક તસવીરની નીચે એક લાઈનમાં ટેગલાઈન પણ આપવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણીની આ તસવીર પ્રદર્શનમાં રૂપાણી પરિવારની હાજરી ભાવસભર બની ગઈ હતી. વિજયભાઈની અલગ-અલગ અંદાજ સાથેની તસવીરો જોઈને પરિવારના સભ્યો ભાવુક થયા હતા. તસવીર પ્રદર્શનમાં સંવેદના-સંવાદે પણ 'તસવીરોને સંગાથ' જોવા મળ્યો હતો.
મને એક તસવીર ખૂબ ગમી છે, જે વિજય સરઘસની છેઃ રાધિકા રૂપાણી
સ્વ. વિજયભાઈની દીકરી રાધિકા રૂપાણીએ જણાવ્યું હતું કે આજે પપ્પાનો 69મો જન્મદિવસ છે. આજે તેમની તસવીરોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ક્ષણ અમારા માટે ગૌરવપૂર્ણ છે. લાક્ષણિક અદાઓની તેમજ સંસ્મરણોની તસવીરો અહીં મૂકવામાં આવી છે. હું બધા લોકોને કહેવા માગું છું કે આપ આવો અને આ તસવીરોને નિહાળીને મારા પિતાની યાદો તાજી કરો. બધી જ તસવીરો લાક્ષણિક અને ખૂબ યાદગાર છે. બધી તસવીરો ખૂબ સારી છે, પણ મને એક તસવીર ખૂબ ગમી છે, જે વિજય સરઘસ દરમિયાન લેવાયેલી છે.
અમારા સાથી નેતા આજે સાથે નથી એનો મને રંજ છેઃ રૂપાલા
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સ્વ. વિજયભાઈ અમારા આદરણીય નેતા, અમારા સાથી નેતાની આજે જન્મજયંતી છે. આજે પ્રથમ જન્મજયંતી છે, જેમાં તેઓ અમારી સાથે નથી અને આ વાતનો મને રંજ છે. જાહેર જીવનમાં નાનપણથી જ ખૂબ સંઘર્ષ કરી રાજ્યના મુખ્યમંત્રી સુધીની સફર તેમને પાર કરી, એના કારણે સમાજના વિવિધ વર્ગો અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે આવ્યા હતા.