Loading...

ટેસ્લાને મોટો ઝટકો, અકસ્માત પીડિતને ₹2100 કરોડનું વળતર ચૂકવવા આદેશ

ટેસ્લાની ઓટો ડ્રાઇવ કાર સાથે થયેલા અકસ્માતના કેસમાં ઇલોન મસ્કની કંપનીને $243 મિલિયન (લગભગ ₹2,100 કરોડ)નું વળતર ચૂકવવું પડશે. ફ્લોરિડાની મિયામી કોર્ટે 4 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ બાદ કંપનીને જવાબદાર ઠેરવતાં આ આદેશ આપ્યો છે.

આ મામલો 2019નો છે, જ્યારે ટેસ્લાની ઓટોપાઇલટ સિસ્ટમવાળી એક કાર ફ્લોરિડાના લાર્ગોમાં ક્રેશ થઈ ગઈ હતી. સિસ્ટમમાં ખામીને કારણે ટેસ્લા મોડેલ S સેડાન એક SUV સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 22 વર્ષીય નાયબેલ બેનાવિડ્સ નામની યુવતીનું મૃત્યુ થયું હતું અને તેનો બોયફ્રેન્ડ ડિલન એંગુલો ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ કેસમાં કંપનીએ દાવો કર્યો હતો કે ડ્રાઈવર ફોનનો ઉપયોગ કરવામાં વ્યસ્ત હતો, પરંતુ કોર્ટે આ દલીલ સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું હતું કે ટેસ્લાની સિસ્ટમ ખામીયુક્ત હતી અને અકસ્માત માટે ડ્રાઈવર એકલો જવાબદાર નહોતો.

ટેસ્લા ઓટોપાઇલટ ક્રેશ કેસમાં શું થયું?

  • 2021માં પીડિતોના પરિવારોએ ટેસ્લા સામે કેસ દાખલ કર્યો હતો. પરિવારે આરોપ લગાવ્યો હતો કે કંપનીએ ઓટોપાઇલટ સિસ્ટમમાં ખામી છુપાવી હતી અને અકસ્માત પહેલાં અને પછી ડેટા અને વીડિયો ફૂટેજનો પણ નાશ કર્યો હતો.
  • આ કેસ 2021થી 2025 સુધી ચાલ્યો. આ સમય દરમિયાન ટેસ્લા આવા અકસ્માતોના મોટા ભાગના કેસોનું સમાધાન કરતી રહી અથવા તેમને કોર્ટમાં રદ કરતી રહી.
  • ટેસ્લાએ મિયામીની ફેડરલ કોર્ટમાં જ્યુરી સમક્ષ ડ્રાઇવરને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પીડિતોના વકીલોએ ઓટોપાઇલટ સિસ્ટમની ભૂલ પર ભાર મૂક્યો. ટેસ્લાએ આખરે વાહનમાં ખામી સ્વીકારી, પરંતુ પુરાવા છુપાવવાના આરોપોને નકારી કાઢ્યા.

ટેસ્લાએ કોર્ટના નિર્ણયને ખોટો માન્યો

ટેસ્લાએ અકસ્માત કેસમાં વળતર ચૂકવવાના કોર્ટના નિર્ણયને ખોટો માન્યો છે. ટેસ્લાએ કહ્યું,

આજનો ચુકાદો ખોટો છે. એ ફક્ત મોટર વાહન સલામતીને પાછળ ધકેલવા, ટેસ્લા અને પૂરી ઇન્ડસ્ટ્રીના લાઇફ સેવિંગ ટેકનોલોજી વિકસાવવા અને અમલમાં મૂકવાના પ્રયાસોને જોખમમાં મૂકશે. કેસ કરનારા લોકોએ એક વાર્તા ઘડી, જેમાં કારને દોષી ઠેરવાઈ છે, જ્યારે ડ્રાઇવરે પહેલા દિવસે જ અકસ્માતની જવાબદારી લીધી હતી.

ટેસ્લાનું ઓટોપાઇલટ ફીચર કેવી રીતે કામ કરે છે?

ઓટોપાઇલટ એટલે કે કાર ડ્રાઇવરની મદદ વગર ચાલે છે. ઓટોપાઇલટ ટેકનોલોજી ઘણા જુદા જુદા ઇનપુટ્સના આધારે કામ કરે છે. ઉદાહરણ તરીકે, એ લોકેશન અને મેપ માટે સીધા સેટેલાઇટ સાથે જોડાય છે. મુસાફરને ક્યાં જવું છે એ મેપ પર પસંદ કરવામાં આવે છે. આ પછી રૂટ પસંદ કરવામાં આવે છે.

જ્યારે કાર ઓટોપાઇલટ મોડ પર ચાલે છે ત્યારે સેટેલાઇટની સાથે એ કારની આસપાસના કેમેરામાંથી પણ ઇનપુટ મેળવે છે, એટલે કે કારની આગળ કે પાછળ, જમણી કે ડાબી બાજુ કોઈ વસ્તુ છે કે નહીં. જો કોઈ વસ્તુ હોય, તો કાર ડાબી કે જમણી તરફ ખસે છે અથવા અટકી જાય છે.

કારમાં ઘણાં સેન્સર છે, જે કારને રોડ લેનમાં રાખવામાં મદદ કરે છે અને સિગ્નલ રીડ કરે છે. ઓટોપાઇલટ મોડમાં કારની ગતિ 100 કિમી પ્રતિ કલાક સુધી જાય છે, જોકે આ ટેકનોલોજીમાં ઘણી વખત સેન્સર કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે અકસ્માતો થાય છે.


Image Gallery